ઠંડી ફ્રાઇઝને લઈને પોલીસ બોલાવાતાં ફરિયાદીની પોલ ખૂલી

18 August, 2022 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટમાં આવેલી મૅક્ડોનલ્ડ્સના મૅનેજરે ઠંડી ફ્રાઇઝ આપતાં ૨૪ વર્ષના યુવક ઍન્ટોઇન સિમ્સે પોલીસમાં ફરિયાદ કરી હતી

ઍન્ટોઇન સિમ્સ

અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટમાં આવેલી મૅક્ડોનલ્ડ્સના મૅનેજરે ઠંડી ફ્રાઇઝ આપતાં ૨૪ વર્ષના યુવક ઍન્ટોઇન સિમ્સે પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે ફરિયાદીનો રેકૉર્ડ ચકાસતાં તે એક વૉન્ટેડ આરોપી નીકળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સિમ્સે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમને ઑર્ડરની કોઈ રસીદ નહોતી મળી તેથી અમારો ઑર્ડર ક્યારે આવ્યો એની ખબર જ ન પડી. અમારા હાથમાં ઑર્ડર આવ્યો ત્યારે એ ઠંડો થઈ ગયો હતી. બીજી તરફ રેસ્ટોરાંના મૅનેજરે કહ્યું હતું કે અમે જ્યારે આરોપીને ઑર્ડર આપ્યો ત્યારે એ બહુ જ ગરમ હતો. એમ છતાં અમે રીફન્ડ આપવા તૈયાર હતા, પરંતુ આરોપીએ રીફન્ડ સ્વીકારવાને બદલે તાજી ફ્રાઇઝ માગી. આખરે અમારે પણ આ વિવાદને કારણે પોલીસને બોલાવવી પડી. આરોપીએ મૅનેજરને કહ્યું કે રીફન્ડ આવતાં ત્રણથી ચાર દિવસ થઈ જશે એટલે નવી તાજી ફ્રાઇઝ જ આપો.

આ વિવાદ વચ્ચે પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે આરોપી પાસે તેનું આઇડી પ્રૂફ માગતાં તે ગભરાઈ ગયો હતો. યુવકે પોલીસને કહ્યું કે હાલ તેની પાસે આઇડી પ્રૂફ નથી. તમામ ઘટના બાદ પોલીસ સમગ્ર કેસના કાગળો બનાવી રહી હતી ત્યારે પોલીસને ડેટાબેઝમાં ગુનાહિત આરોપીની યાદીમાં યુવક ઍન્ટોઇન સિમ્સનું નામ મળી આવ્યું હતું. ૨૦૧૮માં તેણે એક ડ્રગ-ડીલ નિષ્ફળ જતાં એક મૃત મહિલાને તેની કારમાં જ સળગાવી દીધી હતી.

offbeat news international news united states of america georgia wanted