મુંબઈ: ડૉગીના પગ પર ઍસિડ નાખનાર કસારાના દંપતીની થઈ ધરપકડ

13 November, 2020 11:27 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ: ડૉગીના પગ પર ઍસિડ નાખનાર કસારાના દંપતીની થઈ ધરપકડ

ડૉગીના પગ પર ઍસિડ એટેક

કસારા પોલીસે એક દંપતી વિરુદ્ધ એક શ્વાનના આગળના બન્ને પગ પર ઍસિડ નાખવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઍસિડની અસર એટલી પ્રચંડ હતી કે તેના બન્ને પગ તરત જ બળીને તૂટી ગયા અને શ્વાને તેના બન્ને પગ ગુમાવ્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શ્વાન આરોપીના ઘરની બહાર બેસતો હતો, જે તેઓને ગમતું ન હતું. ઘટનાના દિવસે શ્વાન તેઓના ઘર બહાર બેઠો હતો ત્યારે દંપતીએ ઍસિડ નાખ્યું હતું.

ઘટના અનુસાર કસારાના એક વિસ્તારમાં રહેતા કયુમ ખાન અને તેની પત્ની આફરીન ખાનના ઘરની બહાર એક શ્વાન રોજ આવીને સૂતો હતો, જે દંપતીને પસંદ ન હતું. ચાર દિવસ પહેલાં શ્વાન રોજની જેમ તેઓના ઘરની બહાર આવીને સૂતો હતો ત્યારે દંપતીએ ઘરમાં રાખેલું ઍસિડ શ્વાનના આગળના પગ પર નાખી દીધું હતું. ઍસિડ એટલું ભયાનક હતું જેમાં શ્વાનના આગળના બન્ને પગ બળીને તૂટી પડ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા કસારા પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.

કસારા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દતુ ભોયેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં શ્વાનનો નાશિક ખાતે એક હૉસ્પિટલમાં ઇલાજ ચાલુ છે. આરોપી વિરુદ્ધ ઍનિમલ ઍક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

સ્થાનિક ઍનિમલ ઍક્ટિવિસ્ટે કહ્યું હતું કે ‘શ્વાને બે પગ સાથે એનો ડાબો કાન પર આ ઍસિડ અટૅકમાં ખોઈ નાખ્યો છે. તેના આગળના બન્ને પગ પર તે કોઈ દિવસ ચાલી શકશે નહીં.

offbeat news Crime News mumbai crime news mehul jethva