દરિયાઈ સિંહ હાઇવે સુધી પહોંચી ગયો

10 January, 2022 12:05 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

સૅન ડિએગોમાં આવેલી ખાડીથી ઘણાં કિલોમીટર દૂર દરિયાઈ સિંહ જોવા મળ્યો હતો

દરિયાઈ સિંહ કૅલિફૉર્નિયાના હાઇવે પર

શુક્રવારે એક દરિયાઈ સિંહ કૅલિફૉર્નિયાના હાઇવે સુધી પહોંચી ગયો હતો. ઍનિમલ રેસ્ક્યુ ટીમ આવે એ પહેલાં કેટલાક પ્રાણીપ્રેમીઓએ આ દરિયામાં રહેતા સસ્તન વર્ગના પ્રાણીની સલામતીની કાળજી રાખી હતી. સૅન ડિએગોમાં આવેલી ખાડીથી ઘણાં કિલોમીટર દૂર દરિયાઈ સિંહ જોવા મળ્યો હતો. બે વ્યક્તિ હાઇવે પરથી પસાર થતી કારને રોકી રહ્યા હતા જેથી દરિયાઈ સિંહ રોડ ક્રૉસ કરી શકે. એક મહિલાએ આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ ઉતાર્યો હતો, જેમાં એક પુરુષ અને મહિલા ટ્રાફિકને રોકીને દરિયાઈ સિંહને મદદ કરતાં નજરે પડે છે. ત્યાર બાદ કૅલિફૉર્નિયા હાઇવ પૅટ્રોલ દ્વારા ઘણી જગ્યાએ આડશ મૂકીને વાહનોની ગતિને ધીમી કરી હતી જેથી જ્યાં સુધી ઍનિમલ રેસ્ક્યુ ટીમ આવી ન જાય ત્યાં સુધી દરિયાઈ સિંહને કોઈ નુકસાન ન પહોંચે.
આખરે સી વર્લ્ડ સૅન ડિએગોની રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી જેણે આ દરિયાઈ સિંહને બચાવ્યો હતો. સી વર્લ્ડને પણ આ સંદર્ભે અનેક ફોન આવ્યા હતા. તેમણે રેસ્ક્યુ ટીમને સહકાર આપવા બદલ કૅલિફૉર્નિયા હાઇવે પૅટ્રોલ ટીમનો આભાર માન્યો હતો. દરિયાઈ સિંહ કઈ રીતે રસ્તો ક્રૉસ કરી રહ્યો હતો એની એને ખબર નહોતી. દરિયાઈ સિંહ ભારે જિજ્ઞાસુ અને નીડર પ્રાણી છે. એ ઘણું ચાલી શકે છે. આ જિજ્ઞાસા જ એમને આ બધી વસ્તુઓ કરાવતી હશે. સી વર્લ્ડની ટીમે દરિયાઈ સિંહને બચાવ્યો હોય એવી કંઈ આ પહેલી ઘટના નથી. એ પહેલાં નવેમ્બરમાં પણ ઍરપોર્ટ નજીકથી દરિયાઈ સિંહને બચાવાયો હતો, પરંતુ પહેલી વખત ખાડીથી આટલે દૂર દરિયાઈ સિંહ પહોંચી ગયો હતો. ત્યાર બાદ એ સી લાયનને પાર્કમાં લઈ જવાયો હતો, જ્યાં એના પુન: સ્થાપન માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. સી વર્લ્ડની રેસ્ક્યુ ટીમે દરિયાઈ સિંહની નજીક જવા સામે લોકોને ચેતવણી આપી હતી, કારણ કે ગભરાઈને એ કરડી શકે છે અને એ ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. 

offbeat news international news