૧૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી બાળકી વિશ્વનું ‘સૌથી સુંદર’ મમી

09 August, 2022 11:39 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પર્યાવરણીય પરિબળોથી શરીરને બગડતું અટકાવવા માટે નાઇટ્રોજન ગૅસથી ભરેલી કાચની પેટીમાં રાખવામાં આવેલો રોસાલિયાનો મૃતદેહ કેપ્યુચિન કેટાકૉમ્બ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે

કાચની પેટીમાં રાખવામાં આવેલો રોસાલિયાનો મૃતદેહ

પર્યાવરણીય પરિબળોથી શરીરને બગડતું અટકાવવા માટે નાઇટ્રોજન ગૅસથી ભરેલી કાચની પેટીમાં રાખવામાં આવેલો રોસાલિયાનો મૃતદેહ કેપ્યુચિન કેટાકૉમ્બ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેનું કારણ છે ૧૦૦ વર્ષ પછી પણ તેનો મૃતદેહ ખૂબ સારી રીતે સચવાયેલો છે. કેપ્યુચિન કેટાકૉમ્બ્સમાં લગભગ ૮૦૦૦ જેટલાં મમી છે, પણ રોસાલિયાના મૃતદેહની જેમ સારી રીતે કોઈ બૉડી સચવાયું નથી. રોસાલિયાના સારી રીતે સચવાયેલા મૃતદેહની આસપાસ ફરતા રહસ્યને કારણે ઇટલીમાં તે અભ્યાસનો વિષય બની ગઈ છે. ૧૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી બે વર્ષની રોસાલિયાના મૃતદેહની ગણતરી વિશ્વના સૌથી સુંદર મમીમાં થાય છે.

રોસાલિયા લૉમ્બાર્ડો તેના બીજા જન્મદિવસના થોડા દિવસ પહેલાં ૧૯૨૦ની બીજી ડિસેમ્બરે મૃત્યુ પામી હતી. તેનું મૃત્યુ ન્યુમોનિયા થકી થયું હતું. નિષ્ણાતોના મતે ૧૯૧૮થી ૧૯૨૦ વચ્ચે ફેલાયેલી મહામારી દરમ્યાન સ્પૅનિશ ફ્લુને કારણે તેનું મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને ઉત્તરી સિસિલીમાં પાલેર્મોના કૅપ્યુચિન કેટાકૉમ્બ્સમાં સાચવવામાં અને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ૧૦૦ વર્ષ પછી પણ હજી તેનો મૃતદેહ ત્યાં જ છે. ૧૦૦ વર્ષ બાદ પણ સુરક્ષિત કાચના કૉફિનમાં તેના વાળ અને ત્વચા અકબંધ કઈ રીતે રહ્યાં એના વિશે અનેક વાયકા છે. 

કેટલાક કહે છે કે કૉફિનમાં તેનું વૅક્સનું પૂતળું છે, તો કેટલાક કહે છે કે એ સ્થળ ભૂતિયું હોવાથી રોસાલિયાનું બૉડી ક્ષીણ થયું નથી. ઘણાએ વળી રોસાલિયાના મૃતદેહે તેમની સામે આંખ પટપટાવી હોવાનો દાવો પણ કર્યો હતો.  સ્કૅનિંગ અને એક્સ-રે પરથી એટલું સાબિત થયું છે કે રોસાલિયાનું હાડપિંજર અને શરીરનાં અન્ય અંગો અકબંધ છે, માત્ર તેનું મગજ તેના મૂળભૂત કદ કરતાં ૫૦ ટકા સંકોચાઈ ગયું છે.

offbeat news paris international news