વાંદરાને ગમી ગઈ પ્રિન્સિપાલની ખુરસી

01 August, 2021 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાફના લોકોએ પ્રિન્સિપાલની ખુરસી પર અડ્ડો જમાવીને બેઠેલા વાંદરાને બહાર કાઢવા ઘણા પ્રયાસ કર્યા હતા

પ્રિન્સિપાલની ખુરસી પર વાંદરો

મહેમાન ભારતીય સંસ્કૃતિમાં દેવતુલ્ય ગણાય છે, પછી ચાહે એ આમંત્રિત હોય કે ન હોય, પણ મધ્ય પ્રદેશના ગ્વાલિયરની એક સ્કૂલમાં અચાનક આવી ચડેલા આ મહેમાને આવતાં જ સ્કૂલના પ્રિન્સિપાલની ખુરસી પચાવી પાડીને બધાને હેરાન-પરેશાન કરી મૂક્યા હતા.

પ્રિન્સિપાલની ખુરસી પરથી આ મહેમાનને ઉતારવા માટે ઘણાં ગતકડાં અને ઉપાયો કરવાં પડ્યાં હતાં, કેમ કે આ મહેમાન કોઈ માનવ નહીં, વાનર હતો. આ આખી ઘટનાનો વિડિયો કૅમેરામાં ઝિલાયો છે. સ્ટાફના લોકોએ પ્રિન્સિપાલની ખુરસી પર અડ્ડો જમાવીને બેઠેલા વાંદરાને બહાર કાઢવા ઘણા પ્રયાસ કર્યા હતા. વાંદરાએ ખુરસી પર લગાવેલા પ્લાસ્ટિકને પણ ફાડવાની કોશિશ કરી હતી. થોડા સમય બાદ વાંદરાએ જાતે જ ખુરસી છોડીને કૉરિડોર તરફ પ્રયાણ કરતાં સ્કૂલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

offbeat news national news madhya pradesh