ગાયબ થઈ ગયેલો ડૉગ પાછો મળ્યો એટલે એને લઈને માનતા પૂરી કરવા અંબાજી પદયાત્રા કરી

02 August, 2026 01:10 PM IST  |  Palanpur | Gujarati Mid-day Correspondent

ચાર મહિના બાદ ગુમ થયેલો લૅબ્રડૉર અચાનક પરત ફરતાં પાલનપુરના માલિકે માનતા પૂર્ણ કરવા ડૉગી સાથે આરાસુરી અંબાજીની પદયાત્રા કરી. આ અનોખી ઘટના સૌનું ધ્યાન ખેંચી રહી છે.

ગાયબ થઈ ગયેલો ડૉગ પાછો મળ્યો એટલે એને લઈને માનતા પૂરી કરવા અંબાજી પદયાત્રા કરી

પાલનપુર-સિદ્ધપુર હાઇવે પર આવેલી એક જૂની હોટેલના માલિકનો વફાદાર લૅબ્રડૉર બ્રીડનો શ્વાન ચારેક મહિના પહેલાં અચાનક ગુમ થઈ ગયો. આ ડૉગને શોધવા માટે માલિકે આસમાન-જમીન એક કર્યાં, પરંતુ કંઈ ભાળ ન મળી. લોકોની પૂછપરછમાં એટલી ખબર પડી કે શ્વાન એમ જ ગાયબ નથી થયો, પરંતુ મોંઘી બ્રીડનો શ્વાન જોઈને કેટલાક અજાણ્યા લોકો એને ઉપાડી ગયા છે. વફાદાર શ્વાન પાછો મળે એવી કોઈ શક્યતા જણાતી નહોતી એટલે માલિકે માનતા માની કે જો શ્વાન પાછો મળી જશે તો આરાસુરી અંબાજી માતાની પદયાત્રા કરીને દર્શન કરશે. ચાર મહિના પછી અચાનક જ પાળેલો ડૉગી હોટેલના આંગણે આવી ચડતાં માલિક ખૂબ જ હરખાઈ ગયો હતો. શ્વાન હેલ્ધી પણ હતો એટલે વધુ ખુશ થયો. જેની આશા સાવ છોડી દીધી હતી એ માનતા સાકાર થતાં માલિકે એ ડૉગને લઈને ચાલતા અંબાજીની પદયાત્રા કરી હતી અને રસ્તામાં ઠેર-ઠેર માતાજીના ગરબા પણ લીધા હતા. 

gujarat offbeat news hatke news viral videos social media