એક વૃક્ષ પડ્યું અને ૨૦ ફુટ લાંબી પેન્સિલની અણી કાઢવાના ઉત્સવનો જન્મ થયો

10 June, 2025 12:34 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વૃક્ષની ડાળીમાં પેન્સિલનો ગ્રેફાઇટ નાખીને એને પેન્સિલ જેવો આકાર આપ્યો અને પેન્સિલ બની ગઈ. દર વર્ષે એ પેન્સિલને એક વાર છોલીને શાર્પ કરવામાં આવે છે.

જાયન્ટ પેન્સિલની અણી કાઢવા માટે જાયન્ટ સંચો પણ છે

અમેરિકાના મિનીઆપોલિસમાં દર વર્ષે લોકો ૨૦ ફુટની લાંબી પેન્સિલને શાર્પ કરવાનો ઉત્સવ મનાવે છે. એ ઉત્સવમાં સેંકડો લોકો ભાગ લેવા આવે છે. જાયન્ટ પેન્સિલની અણી કાઢવા માટે જાયન્ટ સંચો પણ છે અને એને ફેરવીને પેન્સિલને ધારદાર બનાવવા માટે ઊંચો માંચડો પણ બનાવવામાં આવે છે. જ્યારે અણી નીકળતી હોય ત્યારે જોરજોરથી લોકસંગીત વાગે છે અને લોકો ધામધૂમથી નાચે છે.

આવું કેમ? એવો સવાલ થતો હોય તો એની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે. આ પેન્સિલ થોડાં વર્ષો પહેલાં એક વૃક્ષમાંથી બનાવવામાં આવી હતી. આ વૃક્ષ જૉન અને હિંગિસ નામના દંપતીના ઘરે ઊગેલું હતું. એક વાર ખૂબ જોરદાર વાવાઝોડું આવ્યું એમાં વૃક્ષનો ઉપરનો હિસ્સો તૂટી ગયો. આ વૃક્ષ એટલું સરસ અને ઘટાદાર હતું કે એને તૂટેલું જોઈને આસપાસના લોકો રડી પડ્યા. જોકે જૉન અને હિંગિસને આ વૃક્ષના તૂટેલા ભાગને જોઈને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. તેમણે નક્કી કર્યું કે આ તૂટેલા વૃક્ષના ભાગને તેઓ નવજીવન આપશે અને એમાંથી પેન્સિલ બનાવશે.

વૃક્ષના કપાયેલા ભાગને જોઈને તેમણે એમાંથી વિશાળ પેન્સિલ બનાવવાનું નક્કી કર્યું. એક જાણીતા મૂર્તિકારને બોલાવવામાં આવ્યા, જેમણે આ વૃક્ષની ડાળીમાં પેન્સિલનો ગ્રેફાઇટ નાખીને એને પેન્સિલ જેવો આકાર આપ્યો અને પેન્સિલ બની ગઈ. દર વર્ષે એ પેન્સિલને એક વાર છોલીને શાર્પ કરવામાં આવે છે. મોટા ભાગે જે સમયે તોફાન આવેલું એ સમય જ પસંદ કરવામાં આવે છે. દર વર્ષે આ પેન્સિલને ત્રણથી પાંચ ઇંચ જેટલી છોલવામાં આવે છે એટલે એ દર વર્ષે નાની થતી જાય છે. જૉન અને હિંગિસ દંપતીને એનો રંજ નથી કે પેન્સિલ હવે નાની થતી જાય છે, કેમ કે દર વર્ષે આ પેન્સિલની અણી કાઢવાની પરંપરામાં વધુ ને વધુ માત્રામાં લોકો જોડાવા લાગ્યા છે. કોઈક તો રબર, શાર્પનર કે નોટબુક જેવા કૉસ્ચ્યુમ પહેરીને આ ઉત્સવમાં ભાગ લે છે અને નાચગાન કરે છે.

united states of america festivals international news news world news offbeat news social media