તાજમહલમાંથી પ્રેરણા લઈ માઇક્રોસૉફ્ટે નોએડામાં બનાવી નવી રાજવી ઑફિસ

30 January, 2021 09:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તાજમહલમાંથી પ્રેરણા લઈ માઇક્રોસૉફ્ટે નોએડામાં બનાવી નવી રાજવી ઑફિસ

માઇક્રોસૉફ્ટની ઑફિસ

માઇક્રોસૉફ્ટના ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટરે નોએડામાં એની નવી ઑફિસ શરૂ કરી છે અને એની ડિઝાઇનને કારણે આ ઑફિસ ચર્ચાના ચગડોળે ચડી છે.

ઑફિસના આઇવરી શેડના ઇન્ટીરિયર અને પ્રસિદ્ધ કોતરણીકામ જોઈને તરત ખ્યાલ આવી જાય છે કે એની ડિઝાઇન જગવિખ્યાત સ્મારક તાજમહલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ઑફિસ દર્શાવતો વિડિયો માઇક્રોસૉફ્ટના ટ્વિટર-પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

માઇક્રોસૉફ્ટની વેબસાઇટ પર જારી કરવામાં આવેલી યાદી અનુસાર આઇવરી વાઇટના ઇન્ટીરિયરમાં કોતરણી, કમાન, ગુંબજ ધરાવતી છત સાથેના આઇડીસી નોએડા કૅમ્પસનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ વિશ્વની અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહલ પરથી પ્રેરિત છે.

ઇતિહાસ અને આધુનિકતાનું પર્ફેક્ટ મિશ્રણ ધરાવતી ઑફિસે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં છે. એક યુઝરે તો ઑફિસ સેવનસ્ટાર હોટેલ જેવી લાગતી હોવાનું જણાવ્યું છે, તો વળી અન્ય યુઝરે બિલ ગેટ્સને ટ્વીટ કરીને નોએડા ઑફિસમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે.

માઇક્રોસૉફ્ટ આઇડીસીએ એની પ્રથમ ઑફિસ ૧૯૯૮માં હૈદરાબાદમાં શરૂ કરી હતી.  ત્યાર બાદ બીજી ઑફિસ બૅન્ગલોરમાં સ્થાપી હતી.

offbeat news national news noida microsoft taj mahal