આ ઉંદરમામાઓ તો ભઈ બહુ શાણા

03 December, 2020 08:31 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

આ ઉંદરમામાઓ તો ભઈ બહુ શાણા

દરેક પ્રાણી પોતાની રક્ષા માટે કુદરતી રીતે જ એક ખાસ વિશેષતા સાથે જન્મે છે. જેમ હરણાંમાં સિંહ કરતાં બળ ભલે ઓછું હોય, પણ એની દોડવાની ત્વરા અને ચપળતા એને સિંહથી બચાવે છે. શાહુડી પર કોઈ હુમલો કરે તો તરત જ એ તીક્ષ્ણ પીંછાં બહાર કાઢીને એમાં ઢબૂરાઈ જાય છે એવું જ કંઈક પૂર્વ આફ્રિકાનાં લાંબી રુવાંટીવાળા ઉંદરોનું છે. આ ઉંદરો આત્મરક્ષા માટે ઝેરનો ઉપયોગ કરે છે.   

નોંધપાત્ર બાબત એવી છે કે એ ઉંદરો જન્મથી ઝેરી હોતા નથી. એ આત્મરક્ષણ માટે રુવાંટી પર ઝેર ચોપડે છે. એ અત્યંત ઘાતક ઝેર હોય છે. કોઈ પણ પ્રાણી એની સામે ટકી શકતું નથી. 

પૂર્વ આફ્રિકાના સોમાલિયા, સુદાન અને ઇથિયોપિયા જેવા દેશોનાં જંગલોમાં ‘પૉઇઝન ઍરો ટ્રી’ નામે ઓળખાતું ઝાડ ઊગે છે. સ્થાનિક આદિવાસીઓ જંગલી પ્રાણીઓના શિકાર માટે એ ઝાડના રસમાં ઝબોળેલાં તીર તેમના સરંજામમાં રાખી મૂકે છે. જંગલમાં કોઈ ભયાનક પ્રાણીઓનો સામનો કરવાનો હોય ત્યારે એ ઝેરી તીર એ પ્રાણી પર છોડે છે. એ ઝેર એવું કાતિલ હોય છે કે જબરદસ્ત કદના જંગલી હાથીને પણ પળમાં ખતમ કરી નાખે. એ ઝાડનો ઝેરી રસ મોટા ઉંદરો પોતાના  શરીર પર ચોપડતા હોવાથી એ ઉંદર પર હુમલો કે પ્રહાર કરનારા પ્રાણીને જીવનું જોખમ રહે છે. 

કૂતરા કે બિલાડા જો એ ઉંદરને ખાવાનો પ્રયત્ન પણ કરે તો સીધા બીમાર પડીને એકાદ-બે દિવસોમાં મરી જાય છે. શિકાગોના ફીલ્ડ મ્યુઝિયમના મેમલ એક્સપર્ટ (સસ્તન પ્રાણીઓના નિષ્ણાત) ઍડમ ફર્ગ્યુસને જણાવ્યું હતું કે આત્મરક્ષણ માટે પોતાના શરીર પર વનસ્પતિના વિષનો આ રીતે ઉપયોગ કરનારો એકમાત્ર સસ્તન જીવ આ ઉંદર છે.

offbeat news international news south africa