મર્સિડીઝ બેન્ઝ અધધધ કહેવાય એવા ૧૧૦૯ કરોડમાં વેચાઈ

21 May, 2022 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક હરાજીમાં ૧૯૫૫ની મર્સિડીઝ બેન્ઝ ૩૦૦ એસએલઆર મૉડલની કાર ૧૪.૩ કરોડ ડૉલર (લગભગ ૧૧૦૯ કરોડ રૂપિયા)માં વેચાતાં એ હરાજીમાં વેચાયેલી વિશ્વની સૌથી મોંઘી કાર ગણાઈ હોવાનું કૅનેડા સ્થિત ઑક્શન કંપની આર. એમ. સૉધબીઝે ગુરુવારે જણાવ્યું હતું. 

મર્સિડીઝ બેન્ઝ અધધધ કહેવાય એવા ૧૧૦૯ કરોડમાં વેચાઈ

આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી એક હરાજીમાં ૧૯૫૫ની મર્સિડીઝ બેન્ઝ ૩૦૦ એસએલઆર મૉડલની કાર ૧૪.૩ કરોડ ડૉલર (લગભગ ૧૧૦૯ કરોડ રૂપિયા)માં વેચાતાં એ હરાજીમાં વેચાયેલી વિશ્વની સૌથી મોંઘી કાર ગણાઈ હોવાનું કૅનેડા સ્થિત ઑક્શન કંપની આર. એમ. સૉધબીઝે ગુરુવારે જણાવ્યું હતું. 
સૉધબીઝેએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ૧૯૫૫ની બનાવટની મર્સિડીઝ બેન્ઝ ૩૦૦ એસએલઆર અન્હલાટ કૂપેને એક ઑક્શનમાં એક ખાનગી સંગ્રાહકને ૧૩.૫૦ કરોડ યુરો (લગભગ ૧૧૦૯ કરોડ રૂપિયા)માં વેચવામાં આવી હતી. ઑક્શનમાં મળેલી કિંમત આ અગાઉ વેચાયેલી કારની કિંમત ૯.૫ કરોડ ડૉલર (લગભગ ૭.૩૬ કરોડ રૂપિયા) કરતાં ઘણી વધુ હોવા તેમ જ ખાનગી રીતે કાર ૭ કરોડ ડૉલર (લગભગ ૫૪૩  કરોડ રૂપિયા)ની વિક્રમી રકમ કરતાં બમણી કિંમતે વેચાઈ હોવાથી દરેક સંદર્ભમાં આ વેચાણકિંમત વધુ છે.  
નોંધપાત્ર રીતે અસાધારણ મનાતી આ લિલામીમાં બ્રિટિશ કાર સંગ્રાહક સિમોન કિડસને એક અનામી ક્લાયન્ટ માટે આ વિજેતા ગુપ્ત કહી શકાય એવી આ બોલી લગાવી હતી. જર્મનીના સ્ટુટગાર્ટમાંના મર્સિડીઝ-બેન્ઝ મ્યુઝિયમમાં પાંચમી મેએ ગુપ્ત હરાજી દરમ્યાન આ વિક્રમી વેચાણ કરવામાં આવ્યું હોવાની વાતને મર્સિડીઝ બેન્ઝના ચૅરમૅન ઓલા કેલેનિયસે પુષ્ટિ કરી હતી. 
મોન્ટે કાર્લો નજીક ૧૮મેએ આપેલી એક મુલાકાત દરમ્યાન કેલેનિયસે જણાવ્યું હતું કે આ લિલામી દ્વારા અમે મર્સિડીઝ બ્રૅન્ડનું શક્તિ-પ્રદર્શન કરવા ઇચ્છતા હતા. એકદમ દુર્લભ મનાતા ઍરોના આકારના કૂપે (ફિક્સ રુફ અને બે દ્વારવાળી ડિઝાઇન) અત્યાર સુધી બે જ વાહનોમાં બનાવાયાં છે તથા એ અત્યાર સુધી ક્યારેય ખાનગી માલિકીનું નહોતું રહ્યું. 
અતિ ઉચ્ચ નેટવર્થ ક્લાયન્ટ્સ માટે દુર્લભ કાર મેળવી આપવાનું કામ કરતા એક વાહન ઍક્વિઝિશન એજન્ટે કહ્યું કે કાર જે કિંમતે વેચાઈ છે એ યોગ્ય જ છે. જોકે ઘણા લોકો આ કિંમતને ઓછી ગણાવી શકે છે. મર્સિડીઝ આ કારને વેચશે એમ ક્યારેય વિચાર્યું નહોતું એમ કહેતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મર્સિડીઝ ખરીદનારનું નામ આપવાનો ઇનકાર કરી રહી છે.

offbeat news