11 February, 2025 01:16 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાના ટેનેસીમાં આવેલા મેમ્ફિસ ઝૂએ એક ખાસ ઑફર મૂકી છે જેના દ્વારા ઝૂ વન્યજીવોના સંરક્ષણ માટે ડોનેશન ભેગું કરશે
વૅલેન્ટાઇન્સ વીક ઊજવાઈ રહ્યું છે એનો લાભ ઉઠાવવા અમેરિકાના ટેનેસીમાં આવેલા મેમ્ફિસ ઝૂએ એક ખાસ ઑફર મૂકી છે જેના દ્વારા ઝૂ વન્યજીવોના સંરક્ષણ માટે ડોનેશન ભેગું કરશે. આ ‘ડેટિંગ અને ડમ્પિંગ’ પ્રમોશન ઑફરમાં ૧૦ ડૉલર (૮૭૫ રૂપિયા)નું ડોનેશન આપીને બે વિડિયોમાંથી પસંદગી કરી શકાય છે. એક ક્યુટ રેડ પાન્ડા દ્રાક્ષ ખાતો હોય એવો પ્રેમભર્યો વિડિયો તમારા પ્રેમી કે પ્રેમિકાને ઉપહાર તરીકે મોકલી શકો છો અને બીજો એક્સ-પ્રેમી કે પ્રેમિકાને હાથીના ઢગલાબંધ મળનો દુર્ગંધ ફેલાવતો વિડિયો મોકલી શકો છો. ઝૂ વેબસાઇટ પર લખે છે કે પ્રેમભર્યો ઉપહાર મોકલવો હોય તો રેડ પાન્ડા મદદ કરશે અને કોઈને બદબૂદાર સરપ્રાઇઝ આપવા માગો છો તો હાથી સાથે મુલાકાત કરાવો. એક્સ પ્રેમી-પ્રેમિકાથી આગળ વધીને ઝૂ ઑફર કરે છે કે આ બદબૂદાર સરપ્રાઇઝ તમે તમારાં કચકચિયાં સાસુમા કે પરેશાન કરતા પાડોશી કે પ્રેશર આપતા સહ-કર્મચારીને પણ મોકલી શકો છો. આ ઑફરમાં ડોનેશન આપવાની છેલ્લી તારીખ છે ૧૨ ફેબ્રુઆરી અને જે ડોનેશન આપશે તેમનાં નામ ગુપ્ત રાખવામાં આવશે.