25 November, 2025 02:14 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતભરમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે અને દરેક લગ્નમાં કંઈક ને કંઈક અજબ દબનાવો બનતા હોય છે. હમણાં મથુરામાં આવો જ કિસ્સો બન્યો હતો. લગ્ન માટે ઉત્સાહમાં જઈ રહેલા જાનૈયાઓની બસ અનેક જગ્યાએ ટ્રાફિક જૅમમાં એવી અટવાઈ ગઈ હતી કે એ બધા લગ્નમંડપમાં પહોંચે એ પહેલાં લગ્નની મિજબાની પૂરી થઈ ગઈ હતી. એ પછી ગ્રામજનોની મદદ લેવામાં આવી અને ફરીથી ભોજન તૈયાર કરવામાં આવ્યું, છેક ત્યારે જાનૈયાઓને ખાવાનું નસીબ થયું હતું.
બન્યું એવું કે શનિવારે રાજસ્થાનના એક ગામથી બસમાં જાનૈયાઓ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના કોશીકલાં નગર પાસે એક ગામમાં લગ્ન માટે જવા નીકળ્યા હતા. જોકે રસ્તામાં નાંદગાંવ પાસે આ બસ ટ્રાફિક જૅમમાં અટવાઈ ગઈ. એ પછી બસનું વ્હીલ-બેરિંગ તૂટી ગયું. ડ્રાઇવરે રિપેરિંગ માટે મેકૅનિકને બોલાવ્યો અને એમાં બીજા ત્રણ કલાક નીકળી ગયા. બસ ફરી શરૂ થઈ પણ આગળ ફરી બે જગ્યાએ લગભગ દોઢ-દોઢ કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈને મોડી રાતે લગ્નસ્થળે પહોંચી. જોકે ત્યાં સુધીમાં વહુપક્ષે મૅરેજ-પાર્ટી આટોપી લીધી હતી. પ્રસંગ બગડતાં કેટલાક લોકો ગુસ્સે થઈને ડ્રાઇવરને મારવા દોડ્યા હતા, પણ તેમને પછીથી શાંત પાડવામાં આવ્યા હતા.