હવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે

26 January, 2021 09:04 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે

હ્યુમનૉઇડ રોબો સોફિયા

હ્યુમનૉઇડ રોબો સોફિયા ૨૦૧૬માં તેની રજૂઆત થઈ ત્યારથી વાઇરલ છે. હવે એને તૈયાર કરનારી કંપની ચાલુ વર્ષના અંત સુધીમાં રોબોનું વ્યાપક ધોરણે ઉત્પાદન કરવા ઇચ્છે છે.

મારા જેવા સામાજિક રોબો બીમાર કે વૃદ્ધ વ્યક્તિની સંભાળ લઈ શકે છે. હું મુશ્કેલ તબક્કામાં વાતચીત કરવામાં, થેરપી આપવામાં અને સામાજિક ઉદ્દીપન પૂરું પાડવામાં મદદરૂપ થઈ શકું છું, એમ હૉન્ગકૉન્ગમાં તેની લૅબની ટૂર કરનાર સોફિયાએ જણાવ્યું હતું.

હૉન્ગકૉન્ગસ્થિત હેન્સન રોબોટિક્સના જણાવ્યા પ્રમાણે સોફિયા સહિતનાં ચાર મૉડલ્સનું ઉત્પાદન ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં શરૂ કરાશે. સંશોધકોની આગાહી અનુસાર મહામારી રોબોટિક્સ ઉદ્યોગ માટે નવી તકનું નિર્માણ કરશે.

કોરોનાકાળમાં લોકોને સલામત રાખવા માટે વિશ્વમાં વધુ ને વધુ ઑટોમેશનની જરૂર ઊભી થશે, એમ કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ હેન્સને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ‘સોફિયા અને હેન્સન રોબો માનવ જેવા હોવાથી ઘણા અનોખા છે. લોકો ભારે એકલતા અને સામાજિક રીતે અલગતાનો અનુભવ કરી રહ્યા છે એવા સમયે આ રોબો ઘણા ઉપયોગી નીવડી શકે છે.’

offbeat news international news