અદ્ભુત જુગાડ, સ્કૂટરને ઇલે​ક્ટ્રિક ગરગડી બનાવ્યું

08 December, 2022 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કારીગરે બજાજના સ્કૂટરમાં કેટલાક ફેરફાર કરીને એને ઇલેક્ટ્રિક ગરગડીમાં તબદીલ કર્યું છે

અદ્ભુત જુગાડ, સ્કૂટરને ઇલે​ક્ટ્રિક ગરગડી બનાવ્યું

આનંદ મહિન્દ્ર કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા નાવીન્યની પ્રશંસા કરવામાં, તેમનો ઉત્સાહ વધારવામાં તેમ જ આવશ્યકતા જણાય તો સૂચનો કરવામાં હંમેશાં મોખરે રહે છે. તાજેતરમાં તેમણે ટ્વિટર પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં એક બાંધકામના કામદારે સ્કૂટરમાં નવીનતા ઉમેરીને ઇલેક્ટ્રિક ગરગડી તૈયાર કરી છે. નેટિઝન્સે તેના નાવીન્યની પ્રશંસા કરી તેને કેટલાંક સૂચનો કર્યાં છે.

આ કારીગરે બજાજના સ્કૂટરમાં કેટલાક ફેરફાર કરીને એને ઇલેક્ટ્રિક ગરગડીમાં તબદીલ કર્યું છે. ક્લિપમાં એક કન્સ્ટ્રક્શન વર્કરે તેના ટેક્નૉલૉજીના જ્ઞાન તેમ જ ક્રીએટિવિટીને દર્શાવી આ ઇલેક્ટ્રિક ગરગડી બનાવી છે. સ્કૂટર ચલાવ્યા બાદ જેમ એને વેગ આપવામાં આવે એમ ગરગડીના બીજા છેડે મુકાયેલી સિમેન્ટની બૅગ ઉપર તરફ ત્રીજા માળે પહોંચે છે. આ વિડિયોની નેટિઝન્સે પ્રશંસા કરી છે.

આનંદ મહિન્દ્રએ વિડિયો પોસ્ટ કરવા સાથે જણાવ્યું છે કે આ જ કાર્ય ઇલેક્ટ્રિક સ્કૂટર પણ કરી શકે છે. જો એની કિંમત સહેજ ઓછી થાય કે સેકન્ડ-હૅન્ડ ઈ-સ્કૂટર મળી જાય તો કામદારોને ઘણી રાહત મળી શકે છે. ઘણી બચત પણ થશે.

offbeat news