કૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ

26 January, 2021 08:59 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ

કેની વાઇલ્ડિંગે પેટ પર ચીતરાવેલું બૉરિસ જૉનસનનું ટૅટૂ

એક વ્યક્તિએ તેના પેટ પર બૉરિસ જૉનસનનું મોટું ટૅટૂ ચીતરાવ્યું છે અને તે કહે છે કે મને આ ટૅટૂ ચીતરાવવા બદલ કોઈ પસ્તાવો થતો નથી. ૪૨ વર્ષના કેની વાઇલ્ડિંગે તેની એક ફૅમિલી-ફ્રેન્ડને ચોથા સ્ટેજનું રેક્ટલ કૅન્સર થતાં તેને ક્લિનિકલ ટ્રાયલ માટે અમેરિકા મોકલવા માટે નાણાં એકત્રિત કરવા શરીર પર વિચિત્ર ટૅટૂ ચીતરાવ્યું હતું.

૨૫ વર્ષની મેગન સ્મિથને જાન્યુઆરી ૨૦૧૯માં આ ઘાતક બીમારીનું નિદાન થયું હતું અને વાઇલ્ડિંગે મેગનનો જીવ બચાવવા માટે નાણાં એકત્રિત કરવાનું વિચાર્યું અને આ માટે બૉરિસ જૉનસનના ટૅટૂથી ઘણા પૈસા મળી રહેશે, એવો વિચાર આવ્યો હતો.

વાઇલ્ડિંગે જણાવ્યું હતું કે ‘બૉરિસ જૉનસન લેજન્ડ છે અને કોઈએ તેમનું ટૅટૂ ચીતરાવ્યું હોવાનું મારી જાણમાં નથી. પહેલાં મેં વિચાર્યું કે આ ટૅટૂ ચીતરાવીને મને પસ્તાવો થશે, પણ સૌને એ પસંદ પડ્યું. આ ટૅટૂ મેગન માટે ચીતરાવ્યું હોવાથી મને કદી પસ્તાવો નહીં થાય.’

ટૅટૂ ચીતરાવવામાં બે કલાક લાગ્યા હતા. સૌપ્રથમ મેગનની કૅન્સર સામેની લડાઈના પ્રતીક સ્વરૂપે હાથ પર ‘મેગ્ઝ આર્મી’ લખેલું ટૅટૂ ચીતરાવ્યા બાદ ગયા નવેમ્બરમાં તેણે પેટ પર જૉનસનનું ટૅટૂ ચીતરાવ્યું હતું. મેગન ભાગ્યે જ જોવા મળતા અગ્રેસિવ મ્યુટેશનનો ભોગ બની છે, જે રેક્ટલ કૅન્સરના માત્ર ૮ ટકા દરદીઓમાં જોવા મળે છે અને એને કારણે કૅન્સર ઝડપથી પ્રસરે છે. મેગનને વધુ સારવાર મેળવવા માટે કૅલિફૉર્નિયામાં લૉસ ઍન્જલસના એક મેડિકલ સેન્ટરમાં મોકલવાની ભલામણ કરવામાં આવી છે.

offbeat news international news