૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ

16 January, 2021 09:15 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ

પ્રતીકાત્મક તસવીર

૧૯૮૦માં નીલમકુમાર ખૈરે નામના સરીસૃપ પ્રાણી વિશેષજ્ઞએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપ વચ્ચે રહેવાનો અનોખો વિક્રમ નોંધાવ્યો હતો. એ વખતે સાઉથ આફ્રિકાના પીટર સિનમારિસના નામે ૧૮ ઝેરી અને ૬ અર્ધ-ઝેરી પ્રકારના સર્પ સાથે ૧૮ કલાક પસાર કરવાનો વિક્રમ હતો. એ વિક્રમ ૧૯૮૦માં પુણેની હોટેલમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરતા નીલમકુમારે તોડ્યો હતો. પુણે મેડિકલ કૉલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એક પાંજરામાં ૭૨ સર્પો સાથે રહીને તેમણે પેલા સાઉથ આફ્રિકન સાહસવીરનો વિક્રમ તોડ્યો હતો. નીલમકુમારન નામે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાયો હતો.

સાપ ઝેરી હોય કે બિન-ઝેરી, એને કોઈ સતાવે કે છંછેડે તો જ એ હુમલો કરે કે ડંખ મારે છે એ સાબિત કરવા અને લોકોને સમજાવવાના ઉદ્દેશથી નીલમકુમારે પુણે મેડિકલ કૉલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં વિક્રમ સ્થાપવાના નામે ૭૨ સર્પો સાથે ૭૨ કલાક પસાર કર્યા હોવાનું જણાવ્યું હતું. નીલમકુમારને સર્પોની સતામણી પસંદ નહોતી. ક્યાંય પણ સાપને જોતાં જ લોકો લાકડી કે અન્ય સાધનો લઈને  એને મારી નાખવા માટે દોડે એ જોઈને નીલમકુમાર વ્યથિત-દુખી હતા. તેઓ ઘણી વખત શહેરમાં ક્યાંક સાપ જુએ તો એને માણસોના હુમલાથી બચાવવા એને પકડીને સહ્યાદ્રિ પર્વતના જંગલમાં છોડી આવતા હતા. નીલમકુમારનું એક ઘર માથેરાનમાં પણ છે. ત્યાં સર્પોનો વિશેષ પરિચય થયો હોવાનું તેઓ કહે છે. તેમણે એક વખત મુંબઈમાં એક સાપ પકડીને પરેલની હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં આપ્યો હતો. તેમણે ૧૯૮૬માં પુણે મહાનગરપાલિકાની મદદથી કાત્રજ સ્નૅક પાર્ક બનાવ્યો હતો.

offbeat news national news pune