૧૦૦૦ કિલોમીટર દૂરથી આવ્યો, પણ બે વખત પ્રેમિકાઓએ આપ્યો દગો 

30 June, 2022 09:12 AM IST  |  Nottingham | Gujarati Mid-day Correspondent

એક મહિનામાં બે વખત તે પોતાની પહેલી ડેટ માટે સ્પેનથી યુકે ગયો પરંતુ બન્ને વખત તેની સાથે દગો થયો

ડેવિડ સ્ટીવન્સ

સ્પેનના એક પુરુષ સાથે બે વખત પ્રેમભગ્ન થવાની દુર્ઘટના ઘટી છે. એક મહિનામાં બે વખત તે પોતાની પહેલી ડેટ માટે સ્પેનથી યુકે ગયો પરંતુ બન્ને વખત તેની સાથે દગો થયો. ઍરપોર્ટ પર તેને લેવા માટે તેની પ્રેમિકાઓ આવી જ નહીં. ૩૨ વર્ષના ડેવિડ સ્ટીવન્સનને પોતાની પહેલી પ્રેમિકા પાસે ઘણી આશા હતી, કારણ કે મળવાનું નક્કી કરતાં પહેલાં તેણે મહિનાઓ સુધી રાતના વાતો કરી હતી. એક મહિના પહેલાં તે પોતાની પ્રેમિકાને મળવા સ્પેનથી યુકે આવ્યો હતો પરંતુ પ્રેમિકા ન આવતાં તે નિરાશ થઈ ગયો. પ્રેમમાં આઘાત મળ્યો હોવા છતાં ડેવિડ હિંમત હાર્યો નહોતો. તેણે બીજી યુવતી સાથે ચૅટિંગ શરૂ કર્યું. આ સપ્તાહે તે પાછો આવ્યો. જેવો યુકેના બ્રિસ્ટલ ઍરપોર્ટ પર ઊતર્યો યુવતીએ કોવિડનું કારણ આગળ ધરી તેને મળવાની ના પાડી દીધી. ડેવિડને આ વાત સાચી લાગતી નહોતી. આ તમામ ઘટનાઓનો ટિકટૉક પર તેણે વિડિયો પણ બનાવ્યો જેમાં તે બ્રિસ્ટલ ઍરપોર્ટ પર દુખી ચહેરા સાથે બેઠેલો દેખાય છે.

ડેવિડે ૨૦૧૫માં આવેલી એક ‘ધ ઍપ્રેન્ટિસ’ નામક ટીવી સિરીઝમાં પણ અભિનય કર્યો છે. પોતાની વાત રજૂ કરતાં એણે કહ્યું કે ‘દિવસમાં ૨૪ કલાક જ હોય. તમે કોઈ વ્યક્તિ માટે કલાકો આપો પછી અચાનક તમને પડતા મૂકવામાં આવે એ કંઈ સારી વાત નથી.’

મૂળ નોટિંગહૅમમાં હેતા ડેવિડે કહ્યું હતું કે ‘મારી બીજી ડેટ વખતે મેં સવારે જ મારી પ્રેમિકાને ફોન કર્યો હતો. તેમ જ હું આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ ઍરપોર્ટ પર આ‍વતાં જ કઈ રીતે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ? તેને કેવી રીતે કોરોના થઈ ગયો? મને તેની પર વિશ્વાસ નથી.’  

offbeat news international news