બ્રિટનવાસીને ચાલતાં-ચાલતાં પરિવાર મળી ગયો

17 May, 2022 10:11 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ દરિયાકાંઠે ચાલવાનો અનુભવ મેળવવાનો નિર્ણય લીધો ત્યારે તેને કલ્પના નહોતી કે સફરમાં તેને અનાયસ જ પત્ની, પોતાનું એક નવજાત બાળક અને એક ડૉગીનો સહારો મળી જશે

ક્રિસ લુઇસ અને તેનો પરિવાર

ઘણી વાર યોગાનુયોગ બનતી ઘટનાઓ માનવીના જીવનને ધરમૂળથી બદલી નાખતી હોય છે. એક સમયના પૅરાટ્રુપર (લશ્કરમાં યુદ્ધ વખતે પૅરૅશૂટનો ઉપયોગ કરનાર સૈનિક) ૪૨ વર્ષના ક્રિસ લુઇસે અનેક વર્ષો અસ્વસ્થતા અને ડિપ્રેશનમાં વિતાવ્યા બાદ ચાર વર્ષ પહેલાં ૨૦૧૮માં બ્રિટિશ દરિયાકાંઠે ચાલવાનો અનુભવ મેળવવાનો નિર્ણય લીધો ત્યારે તેને કલ્પના નહોતી કે સફરમાં તેને અનાયસ જ પત્ની, પોતાનું એક નવજાત બાળક અને એક ડૉગીનો સહારો મળી જશે. ક્રિસ લુઇસને ૩૫ વર્ષની કૅટ બેરન ઑગસ્ટ ૨૦૨૦માં સ્કૉટલૅન્ડના શહેર વિકમાં મળી હતી. ભૂતપૂર્વ શિક્ષિકા પોતાની સિંગલ ટ્રિપ પર નીકળી હતી એ વખતે તેણે પગદંડીની બાજુમાં જ નાનો તંબુ બનાવનાર ક્રિસ સાથે ચૅટ કરવાનું નક્કી કર્યું. વાતચીતમાં મૈત્રી વધતાં બન્ને વચ્ચેની મૈત્રી પ્રેમમાં પરિણમી અને તેમને એક સ્વસ્થ પુત્ર જન્મ્યો મૅગ્નસ.

ક્રિસને મળતાં પહેલાં કૅટ એક પ્રાઇમરી સ્કૂલમાં છેલ્લા એક દસકાથી શિક્ષિકાની નોકરી કરતી હતી. કૅટ પોતાની આવકનો ઉપયોગ તેના ચાલવાના સાહસ માટે ખર્ચ કરતી હતી. જોકે તે અણધારી રીતે ક્રિસને મળી અને બન્ને સારાં મિત્ર અને અંતે જીવનસાથી બન્યાં.

કૅટ ગર્ભવતી હોવાની જાણ થયા બાદ પણ તેણે ચાલવાનું રાખ્યું હતું, પણ હવે તેઓ શાંતિથી અને ભારરહિત થઈને જરૂર લાગે ત્યાં આરામ કરીને ચાલતાં રહેવાનાં છે.

મૅગ્નસની સંભાળ રાખવા ઉપરાંત તેમણે તેમના તંબુ, ખોરાક, ડૉગીનાં બિસ્કિટ, કપડાં અને નેપી સહિતનો આશરે ૫૦ કિલો સામાન ઉઠાવવો પડશે. દક્ષિણનો ઘણો ભાગ કૃષિ આધારિત હોવાથી ક્રિસે બન્ને હાથમાં પાંચ લિટરની બૉટલ પીવાનું શુદ્ધ પાણી રાખવું પડશે.

સદ્ભાગ્યે, આ બન્ને ચૅરિટી માટે આ સાહસ કરી રહ્યાં હોવાથી તેમના ફૉલોઅર્સ તેમની મદદ માટે ખડેપગે તૈયાર રહે છે.

offbeat news international news