આ જપાનીના જબરા ઉજાગરા , છેલ્લાં ૧૨ વર્ષથી દરરોજ તે અડધો કલાક જ સૂએ છે

18 September, 2021 08:51 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

શરીરને ઓછામાં ઓછી ઊંઘ લઈને સક્રિય રાખવાની આદત પાડવા પ્રયત્નશીલ હોવાનું દાઇસુકે કહે છે

દાઇસુકે હોરી

જપાનના રહેવાસી ૩૬ વર્ષના દાઇસુકે હોરી છેલ્લાં ૧૨ વર્ષથી દિવસમાં ફક્ત અડધો કલાક ઊંઘતો હોવાનો દાવો કરે છે. શરીરને ઓછામાં ઓછી ઊંઘ લઈને સક્રિય રાખવાની આદત પાડવા પ્રયત્નશીલ હોવાનું દાઇસુકે કહે છે. જપાન શૉર્ટ સ્લીપર અસોસિએશનનો પ્રમુખ  દાઇસુકે સ્થાનિક ટીવી-શોમાં તેના ઓછી ઊંઘના વિવાદાસ્પદ દાવાની વાતો કરી હતી. દિવસમાં ૮ કલાક ઊંઘે તો ફક્ત ૧૬ કલાક કામ કરવા મળે એ વિચારીને દાઇસુકેને લાગ્યું કે ‘બહુત ના-ઇન્સાફી હૈ યે. નીંદ કા ટાઇમ કમ કરનાઇચ પડેગા.’ એથી તેણે આયાસપૂર્વક ઊંઘવાનો સમય ઘટાડ્યો હોવાનો દાવો કર્યો હતો.

દાઇસુકે ટીવી-શોમાં ગયો ત્યારે એ લોકોએ તેમના ક્રૂ સમક્ષ ત્રણ દિવસ ઊંઘનો સમય દર્શાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પુરાવા વગર તમારી વાત માની ન શકાય. ટીવીના કૅમેરા-ક્રૂ સામે એ માણસ પહેલા દિવસે સવારે આઠ વાગ્યે જાગ્યો. ત્યાર પછી જિમ્નૅશ્યમમાં ગયો, પુસ્તકો વાંચ્યાં, અખબારો અને સામયિકોમાં સાપ્તાહિક કટારોના લેખો લખ્યા, વિડિયો-ગેમ્સ રમ્યો, મિત્રો સાથે ડિનર લેવા ગયો, ત્યાંથી પાછો આવ્યા બાદ ઊંઘવાના રૂટીન અને શરીરના શેડ્યુલનાં અનુભવો-વર્ણનોની શૉર્ટ વિડિયો-ક્લિપ્સ બનાવી, ફરી થોડો નાસ્તો કર્યો, મિત્રો સાથે ઑનલાઇન ચૅટિંગ કર્યું અને રાતે બે વાગ્યે ઊંઘી ગયો. બરાબર ૨૬ મિનિટમાં તેની આંખો ખૂલી ગઈ. બીજા બે દિવસ એવા જ રૂટીન સાથે તે રાતે અડધા કલાકથી ઓછો સમય ઊંઘતો હતો. તેણે કહ્યું કે દિવસમાં ઊંઘ જેવું લાગે ત્યારે ઇન્સ્યુલિન લેવલ નૉર્મલ થાય ત્યાં સુધી કૅફિન લેતો હતો, કારણ કે ઇન્સ્યુલિન વધે તો ઊંઘ આવી શકે. ૧૨ વર્ષથી તે દિવસમાં ફક્ત અડધો કલાક ઊંઘતો હોવાનું તેણે ટીવી-શોના સંચાલકોના ગળે ઉતાર્યું હતું.  

offbeat news international news japan