૯ બાળકને જન્મ આપનાર મમ્મી રોજ ૧૦૦ બેબી-નૅપ્કિન બદલે છે

25 October, 2021 12:41 PM IST  |  Malian | Gujarati Mid-day Correspondent

૨૬ વર્ષની હલિમા સીઝે નામની આ મહિલાએ તાજેતરમાં તેના અનુભવો બયાન કર્યા છે

હલિમા સીઝ

આફ્રિકાના માલી દેશમાં એક મહિલાએ થોડા સમય પહેલાં એકસાથે ૯ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ સરજ્યો હતો. ૨૬ વર્ષની હલિમા સીઝે નામની આ મહિલાએ તાજેતરમાં તેના અનુભવો બયાન કર્યા છે.

હલિમા ગર્ભવતી થઈ ત્યારે તે એકસાથે ૭ બાળકોને જન્મ આપશે એવું અનુમાન હતું. તેને ઑપરેશન માટે માલીથી મૉરોક્કો લઈ જવી પડી હતી, જ્યાં તેણે ૯ બાળકોને જન્મ આપ્યો હતો. શરૂઆતમાં નવજાત શિશુઓને એનઆઇસીયુમાં રાખવાં પડ્યાં હતાં. અત્યારે પણ બાળકો સતત ડૉક્ટરની નિગરાની હેઠળ છે અને એ માટે હલિમાનો આખો પરિવાર હૉસ્પિટલ પાસેના એક ઘરમાં રહેવા આવી ગયો છે. તાજેતરમાં હલિમાએ કહ્યું હતું કે એક બાળકને જન્મ આપીને ઉછેર કરવો મુશ્કેલ હોય છે ત્યાં ૯-૯ બાળકો જન્મે ત્યારે તેમની દેખભાળમાં કલ્પના ન કરી શકાય એટલું કામ રહે છે. જોકે હું મેડિકલ ટીમ અને માલી સરકારનો તમામ મદદ પૂરી પાડવા બદલ આભાર માનું છું.

હલિમાને પાંચ દીકરી અને ચાર દીકરા જન્મ્યાં છે. તે દરરોજ ૧૦૦ જેટલાં બેબી-નૅપ્કિન્સ બદલે છે અને બાળકોને ૬ લિટર ધાવણ પીવડાવે છે. બાળકોને જન્મ આપતી વખતે હલિમાના પેટનું વજન જ ૩૦ કિલો જેટલું હતું અને ડિલિવરી સમયે વધારે પડતું લોહી વહી જવાને કારણે હલિમા જીવી શકે એમ નહોતું લાગતું. જોકે મૉરોક્કોમાં પૂરતી સારવાર મળી જવાથી તેનો જીવ બચી ગયો. માતા અને બાળકોની અત્યાર સુધીની સારસંભાળનો ખર્ચ આશરે ૧૦.૦૩ કરોડ રૂપિયાને વટાવી ગયો છે, જે મોટા ભાગે માલીની સરકાર આપી રહી છે.

offbeat news international news south africa