22 August, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાત્મા ગાંધીના હસ્તાક્ષરવાળી ડાયરી ૧૬.૨૦ કરોડ રૂપિયામાં વેચાઈ, બન્યો નવો વર્લ્ડ રેકૉર્ડ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી અનોખી વસ્તુઓના તાજેતરમાં યોજાયેલા ઑક્શને ઇતિહાસ રચી દીધો છે. મુંબઈના પ્રભાદેવીમાં આવેલી સૅફ્રન આર્ટ ગૅલરી દ્વારા યોજાયેલા ઑક્શનમાં ગાંધીજીએ દરરોજ લખેલા વિચારોનો સંગ્રહ (ડાયરી) ૧૬.૨૦ કરોડ રૂપિયામાં વેચાયો છે. કોઈ પણ ભારતીય ઐતિહાસિક દસ્તાવેજ માટે હરાજીમાં ચૂકવાયેલી અત્યાર સુધીની આ સૌથી મોટી કિંમત છે.
આ સંગ્રહ A Thought for the Day નામના પુસ્તકનો એક ભાગ છે, જેમાં ગાંધીજીએ પોતાના નિકટવર્તી સાથી આનંદ હિંગોરાણી માટે ૨૩ મહિના સુધી સતત દરરોજ સત્ય, અહિંસા અને આત્મસંયમ પર ૬૮૮ જેટલા વિચારો લખી આપ્યા હતા. આનંદ હિંગોરાણી ૧૯૩૦માં ઐતિહાસિક દાંડીયાત્રા વખતે ગાંધીજી સાથે જોડાયા હતા. આનંદ હિંગોરાણીનાં પત્નીના અવસાન બાદ હિંગોરાણી એકલવાયું જીવન જીવી રહ્યા હતા ત્યારે તેમને હિંમત અને સાંત્વન આપવા ગાંધીજીએ દરરોજ એક વિચાર લખવાનું શરૂ કર્યું હતું.
આ ઑક્શનમાં મહાત્મા ગાંધી અને આનંદ હિંગોરાણી સાથે જોડાયેલી કુલ ૮૬ દુર્લભ વસ્તુઓ મૂકવામાં આવી હતી. એમાં શ્રીમદ ભગવદ્ગીતા પરના ગાંધીજીના વિચારોનો સંગ્રહ ‘મેસેજ ઑફ ધ ગૉડ’ ૧.૬૮ કરોડ રૂપિયામાં, ચરખા અને કાંતણ સાથે જોડાયેલા તેમના બે પત્રો ૧.૦૨ કરોડ રૂપિયામાં તથા મહાત્મા ગાંધીની સહીવાળી એક તસવીર ૭૮ લાખ રૂપિયામાં વેચાયાં હતાં.