વિદ્યાર્થીઓનો ભૂત-પ્રેતનો ડર ભગાડવા જ્યારે કલેક્ટર, SP અને જિલ્લા પરિષદના CEO હૉસ્ટેલમાં રાત રોકાયા

04 September, 2026 04:05 PM IST  |  Amravati | Gujarati Mid-day Correspondent

અમરાવતીના આદિવાસી હૉસ્ટેલમાં ભૂત-પ્રેતની અફવાથી ૬૧૦ બાળકો ઘરે જતા રહ્યા હતા. ડર દૂર કરવા કલેક્ટર સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે રાતવાસો કર્યો.

અમરાવતી આદિવાસી હૉસ્ટેલ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી અંધશ્રદ્ધા અને ડર સામે લડતો એક અદ્ભુત અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અહીંના ચિખલદરા તાલુકાના ડોમા ગામમાં આવેલી એક આદિવાસી હૉસ્ટેલમાં ભૂત-પ્રેત હોવાની અફવા ફેલાઈ હતી. કેટલીક વિદ્યાર્થિનીઓ વળગાડ કે માનસિક તાણને કારણે ગભરાઈ જતાં હૉસ્ટેલના ૮૫૦માંથી આશરે ૬૧૦ બાળકો ડરના માર્યાં પોતપોતાનાં ઘરે ભાગી ગયાં હતાં.
વિદ્યાર્થીઓમાંથી આ કાલ્પનિક ડર કાઢવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે જિલ્લાના ટોચના અધિકારીઓએ પોતે મેદાનમાં ઊતરવું પડ્યું. અમરાવતીના કલેક્ટર આશિષ યેરેકર, જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સત્યમ ગાંધી અને સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) નિકેતન કદમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ મંગળવારે રાત્રે આ હૉસ્ટેલની મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ કોઈ પણ જાતના પ્રોટોકૉલ વગર હૉસ્ટેલમાં જ સ્ટુડન્ટ્સ સાથે રાતવાસો કર્યો અને તેમની સાથે બેસીને રાતનું ભોજન પણ લીધું. તેમણે વિદ્યાર્થીઓને મહાન નાયકોની પ્રેરણાદાયી વાતો કહીને સમજાવ્યું કે ભૂત જેવી કોઈ ચીજ હોતી નથી. તેમણે બાળકો સાથે પોતાના ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર બનવાના અનુભવો શૅર કર્યા. મોટા અધિકારીઓને પોતાની વચ્ચે રાત વિતાવતા જોઈને વિદ્યાર્થીઓનો ડર ગાયબ થઈ ગયો હતો અને તેમનો આત્મવિશ્વાસ પાછો ફર્યો હતો.

amravati maharashtra maharashtra news offbeat news hatke news