17 August, 2025 08:13 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના જબલપુરમાં બે દીકરાઓએ તેમના પિતા સાથે જે કર્યું એ હૃદયદ્રાવક છે. પંચાવન વર્ષના ગિરનીકુમાર ચક્રવર્તી નામના પુરુષનું શબ પોલીસને એક નાળામાંથી મળી આવ્યું હતું. આ શબના હાથ બાંધી દીધેલા હોવાથી એ નક્કી હત્યા હોવાનો કેસ નોંધીને તેની ઓળખ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આસપાસનાં ગામોમાં તપાસ કરતાં ખબર પડી હતી કે જે નાળામાંથી આ પુરુષ મળ્યા હતા એના ૧૦ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં ગિરનીકુમાર ચક્રવર્તી રહે છે. ગામમાં જઈને પોલીસે પૂછપરછ કરી તો ગામલોકોએ કહ્યું કે આમને તો તેમના બે દીકરાઓ હાથ બાંધીને ક્યાંક લઈ જઈ રહ્યા હતા. સંબંધીઓએ તેમને પૂછ્યું તો દીકરાઓએ કહેલું કે તેમની દારૂ પીવાની આદત છોડાવવા માટે સિદ્ધ બાબાને ત્યાં લઈ જઈ રહ્યા છીએ. મામલો સ્પષ્ટ થઈ જતાં પોલીસે મૃત વ્યક્તિના દીકરાઓની અટક કરી હતી. શરૂઆતમાં વાત નકારી રહેલા દીકરાઓએ આખરે કબૂલી લીધું હતું કે દારૂના નશામાં આએદિન તોફાન મચાવતા પિતાથી છુટકારો મેળવવા તેમણે જ પિતાને જીવતેજીવ નહેરમાં ફેંકી દીધેલા.