પાણીને બદલે બોરવેલમાંથી આગ નીકળવા માંડી

17 March, 2026 12:41 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

આ વિસ્તારમાં જમીનની નીચેથી ગૅસનું લીકેજ થવાની ઘટના આ પહેલાં પણ બની છે.

ઘટનાસ્થળ

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં ૨૪૦ ફુટ ઊંડા બોરવેલમાં અચાનક આગ લાગતાં આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. સામાન્ય રીતે બોરવેલ પાણી માટે બનાવાતો હોય છે, પણ જો એમાંથી આગ નીકળવા લાગે તો? આવું જ કંઈક બન્યું સાગર જિલ્લાના બંડા વિસ્તારમાં. વહેલી સવારે છ વાગ્યે ખેતરમાં જોરજોરથી ઘરઘરાટીના અવાજો આવવા લાગ્યા. અવાજ ક્યાંથી આવે છે એ શોધવા લોકો ખેતરમાં ગયા તો ખબર પડી કે હજી આગલા દિવસે સાંજે જ ખોદાવેલા ૨૪૦ ફુટ ઊંડા બોરવેલમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. નાની-સૂની નહીં, ૨૦ ફુટ ઊંચી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. આગની સાથે ગડગડાટી અને વિચિત્ર અવાજો પણ આવી રહ્યા હતા. આગ ૪ કલાક સુધી સળગતી રહી એટલે ગામલોકોએ પોલીસને જાણ કરી. ૧૦ વાગ્યે ફાયર-બ્રિગેડની બે ગાડીઓ ત્યાં આવી અને ખૂબ મહેનત પછી આગ પર માંડ કાબૂ મેળવ્યો. આ વિસ્તારમાં જમીનની નીચેથી ગૅસનું લીકેજ થવાની ઘટના આ પહેલાં પણ બની છે.

offbeat news madhya pradesh fire incident india