11 September, 2026 12:19 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
લખનઉ પતિ પત્ની
લખનઉના મલિહાબાદમાંથી એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેને રોકવા કે ઝઘડો કરવાને બદલે પત્નીની મરજીનું સન્માન કરીને ખુદ મંદિરમાં પ્રેમી સાથે તેનાં લગ્ન કરાવી દીધાં હતાં.
મલિહાબાદમાં રહેતા પ્રાંતીય રક્ષક દલ (PRD)ના એક જવાનનાં લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ પત્ની તેના બાળપણના પ્રેમી સાથે સતત સંપર્કમાં હતી. બન્ને એક જ સ્કૂલમાં ભણતાં હતાં અને વર્ષોથી પ્રેમસંબંધમાં હતાં. ૪ દિવસ પહેલાં યુવતી અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી.
પતિએ મલિહાબાદ પોલીસ-સ્ટેશનમાં ગુમશુદા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન મહિલા હરદોઈમાંથી તેના પ્રેમી સાથે મળી આવી હતી. પોલીસ બન્નેને થાણે લઈ આવી હતી જ્યાં બન્ને પક્ષના પરિવારોએ યુવતીને ખૂબ સમજાવી હતી, પરંતુ તેણે સ્પષ્ટ કહી દીધું કે તે પ્રેમી સાથે જ રહેવા માગે છે.
પત્નીનો નિર્ણય સાંભળીને PRDના જવાને જરાય વિરોધ ન કર્યો. તેણે પત્નીની ઇચ્છા અને ખુશીનો સ્વીકાર કરીને પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. કાનૂની કાગળિયાં પૂરાં કર્યા બાદ પતિ પોતે બન્નેને સ્થાનિક મંદિરે લઈ ગયો અને વિધિવત્ પત્નીના પ્રેમી સાથે ૭ ફેરા કરાવીને તેને પ્રેમથી વિદાય આપી.