જબ ચિત્તે પે ઝીબ્રા આયા

12 January, 2022 09:10 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

માદા ચિત્તા પોતાનાં ત્રણ બચ્ચાંઓ સાથે હોય છે અને અચાનક તે કેટલાક ઝીબ્રાના ટોળા પર હુમલો કરે છે

ઝેબ્રાઓની પાછળ શિકાર માટે ચિત્તો દોડતો હતો. પરંતુ અચાનક એક ઝેબ્રાએ સંરક્ષણને બદલે ચિત્તા પર હુમલો કરવાનું નક્કી કર્યુ.

જંગલમાં ક્યારે અચાનક શું થાય છે એની ખબર પડતી નથી. માદા ચિત્તા પોતાનાં ત્રણ બચ્ચાંઓ સાથે હોય છે અને અચાનક તે કેટલાક ઝીબ્રાના ટોળા પર હુમલો કરે છે. ઝીબ્રા જીવ બચાવવા માટે નાસે છે. અચાનક ટોળામાંના એક ઝીબ્રાના મનમાં શું આવ્યું કે એણે સંરક્ષણને બદલે હુમલો કરવાનુ નક્કી કર્યું અને ઝડપથી એમની નજીક આવી રહેલા ચિત્તાની દિશામાં દોડવા માંડ્યું. પટાવાળા પ્રાણીની આ બહાદુરી જોઈને એણે પોતાની ઝડપ ઓછી કરી, પણ ઝીબ્રાએ એની તરફ ઝડપથી આવવાનું નક્કી કરી લીધું હતું. પરિણામે ચિત્તાએ બચાવમાં ઝાડી તરફ નાસી જવું પડ્યુ હતું. એક તરફ માદા ચિત્તા ઝાડીમાં સંતાઈ ગઈ હતી તો બીજી તરફ એનાં ત્રણ નાનાં બચ્ચાં સમગ્ર દૃશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં. આવું વિચિત્ર કહી શકાય એવું દૃશ્ય ઈસ્ટ આફ્રિકાના દેશ કેન્યાના નબોઇસોના જંગલમાં ફોટોગ્રાફર સેબાસ્ટિયન લેહકેએ કેદ કર્યું છે. ચિત્તો વિશ્વમાં સૌથી ઝડપથી દોડી શકતું​ પ્રાણી છે. તે કલાકે ૭૦ કિલોમીટરની ઝપે દોડી શકે છે, પરંતુ આ ઝડપ તે માત્ર ૨૫૦ મીટર સુધી જ જાળવી શકે છે. એ મોટા ભાગે સસલાં, ઇમ્પાલાસ જંગલી બીસ્ટનાં વાછરડાં જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. ચિત્તા ભેગા મળીને ઝીબ્રાનો શિકાર કરતા હોય છે, પરંતુ એક ચિત્તો એના કદને જોતાં ઝીબ્રા પર ભાગ્યે જ હુમલો કરે છે છતાં એ ઝીબ્રા માટે ખતરો જરૂર છે.

offbeat news international news south africa