આ બહેને પેન્ડેમિક દરમ્યાન ઘરમાં ખોલી ખાસ ખિસકોલી, ઉંદર માટેની રેસ્ટોરાં

02 December, 2020 08:24 AM IST  |  Georgia | Gujarati Mid-day Correspondent

આ બહેને પેન્ડેમિક દરમ્યાન ઘરમાં ખોલી ખાસ ખિસકોલી, ઉંદર માટેની રેસ્ટોરાં

જ્યૉર્જિયામાં રહેતી ઍન્જેલા હૅન્સબર્ગર નામની ૫૦ વર્ષની મહિલા ફૂડ ઍન્ડ બેવરેજિસ રાઇટર તરીકે કામ કરતી હતી. જોકે કોરોનાને કારણે આવેલા લૉકડાઉનમાં તેના કામ પર બ્રેક લાગી ગઈ, પણ એપ્રિલ મહિનામાં તેને આ ફૂડ અને બેવરેજિસ ઇન્ડસ્ટ્રી સાથે જ સંકળાયેલો અનોખો નુસખો હાથ લાગી ગયો. તેના કાકાએ ઍન્જેલાને લાકડાનું નાનું ડાઇનિંગ ટેબલ આપ્યું. આ ડાઇનિંગ ટેબલ એકદમ મિનિવેચર સાઇઝનું હતું જે એક શોપીસથી ઝાઝું નહોતું. ઘરમાં વાવેલા છોડ પર ડેકોરેશન માટે મૂકી શકાય એવા આ ટેબલને તેણે પ્લાન્ટમાં મૂકવાને બદલે ઘરની ઓસરીમાં ચોક્કસ જગ્યાએ ગોઠવી દીધું.

આ ખિસકોલી કે ઉંદરને ખાવાનું આપવા માટે તેણે ટેબલ પર થોડી અખરોટ અને નટ્સના ટુકડા પાથરી દીધા. થોડી જ વારમાં ખાવાનું સૂંઘીને એક ખિસકોલી ત્યાં આવી અને પડેલું ખાવા માંડી. ઍન્જેલાનું કહેવું છે કે આ નટ્સ તેને માટે જ હતા, પણ જે રીતે ખિસકોલીએ બેન્ચ પર બેસીને ટેબલ પર પડેલું ખાવાનું ખાધું એ જોઈને નવાઈ લાગી. તેણે થોડું વધુ ખાવાનું મૂક્યું. પેટ ભરીને ખાધા પછી ખિસકોલી ત્યાંથી જતી રહી. ઍન્જેલાએ બીજું થોડું ખાવાનું મૂક્યું અને ત્યાં એક ઉંદરમામા આવીને જાણે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય એવી નિરાંતથી ખાવા માંડ્યા.

શરૂઆતમાં ઍન્જેલાએ આ બધું માણવા ખાતર રોજ ખોરાક મૂકવાનું શરૂ કર્યું અને એના ફોટો પણ પાડ્યા, પણ પછી તો આ સિલસિલો બની ગયો. ઍન્જેલાએ બીજાં બે-ત્રણ આવાં જ ટેબલ લાવીને ઘરની ઓસરીમાં લગાવી દીધાં. હવે ખિસકોલી અને ઉંદર ત્યાં જાણે રેસ્ટોરાં હોય એમ આવીને બેસે છે અને ખાવાનું ખાઈને જતાં રહે છે.

international news georgia offbeat news