ડિએગો મૅરડોના કેરળની જે હોટેલમાં રહ્યો હતો એમાં મ્યુઝિયમ બનાવી દેવાયું

30 November, 2020 07:56 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

ડિએગો મૅરડોના કેરળની જે હોટેલમાં રહ્યો હતો એમાં મ્યુઝિયમ બનાવી દેવાયું

મ્યુઝિયમ બનેલી હોટેલ

ફુટબૉલના દંતકથારૂપ મહાન ખેલાડી ડિએગો મૅરડોના ૨૦૧૨ની ૨૩ ઑક્ટોબરે કેરળના કુન્નુરની બ્લુ નાઇલ હોટેલની રૂમ-નંબર ૩૦૯માં રહ્યો હતો. ‘હૅન્ડ ઑફ ગૉડ’ના નામે ઓળખાતા આર્જેન્ટિનાના આ ચમત્કારી ખેલાડી મૅરડોનાએ થોડા દિવસ પહેલાં ફાની દુનિયાને અલવિદા કહી દીધા પછી વિશ્વના અનેક ભાગોમાં ખેલપ્રેમીઓ તેમની યાદમાં જુદા-જુદા પ્રકારનાં આયોજન કરી રહ્યા છે. કેરળના કુન્નુરની બ્લુ નાઇલ હોટેલે તો ૮ વર્ષ પહેલાં મૅરડોનાએ બે દિવસ રહીને ચેકઆઉટ કર્યું ત્યાર પછી એ રૂમને મૅરડોના-રૂમ નામ આપ્યું હતું, પરંતુ એ મહાનુભાવ ૬૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યો એ પછી બ્લુ નાઇલ હોટેલના મૅનેજમેન્ટે એ ૩૦૯ નંબરની રૂમને મ્યુઝિયમ બનાવી છે. કેરળનો કુન્નુર જિલ્લો ફુટબૉલની ચાહત માટે દુનિયામાં જાણીતો છે. એ બે દિવસોમાં મૅરડોનાએ પીધેલી સિગાર, તેણે વાંચેલું ન્યુઝપેપર, તેણે જેમાં ચા પીધી હતી એ કપ, બેડશીટ્સ, તેણે વાપરેલો સાબુ અને એક ચાહકે તેને ભેટ આપેલું ચિત્ર વગેરે ઘણી વસ્તુઓ ત્યાં પ્રદર્શિત કરવામાં આવી છે. ફુટબૉલની એ મહાન પ્રતિભાને ભાવતી વાનગી રાંધવા માટે કોચીથી ખાસ રસોઈયો બોલાવવામાં આવ્યો હતો. મૅરડોનાને વિશેષ રૂપે રશિયન ખાદ્ય પદાર્થો પ્રિય હતા. કેરળની માછલીઓ અને ‌‌જિંગા તેને બહુ ભાવતાં હતાં. મૅરડોનાએ તેનો બાવનમો જન્મદિન સ્થાનિક ફુટબૉલપ્રેમીઓ અને એ હોટેલના સ્ટાફ સાથે ઊજવ્યો હતો.

national news offbeat news kerala