કેરલાના પરિવારે પાળેલા ડૉગનાં કરાવ્યાં લગ્ન, જાનૈયાઓને ખવડાવી ચિકન બિરયાની

23 September, 2021 11:46 AM IST  |  Mumbai | Agency

ઍસિડનાં લગ્ન જાન્વી નામની માદા શ્વાન સાથે લેવાયાં હતાં. તેમનાં લગ્ન બાદ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહેમાનોને ભોજનમાં ઍસિડની ભાવતી ડિશ ચિકન બિરયાની પીરસવામાં આવી હતી.

કેરલાના પરિવારે પાળેલા ડૉગનાં કરાવ્યાં લગ્ન, જાનૈયાઓને ખવડાવી ચિકન બિરયાની

કોરોનાનો વ્યાપ છતાં કેરલામાં લોકો કંઈક નવું-અનોખું કરવા મેળાવડો કરતાં અચકાતા નથી. શેલી પી. કે. પરિવારના ઍસિડ નામના ડૉગનાં લગ્ન થ્રિશુર જિલ્લામાં આવેલા પુન્નાયુરકુલમ ખાતે સોમવારે યોજાયાં હતાં. લગ્ન સમારંભનો સમય સવારના ૧૧થી ૧૨ વાગ્યાનો હતો. ઍસિડનાં લગ્ન જાન્વી નામની માદા શ્વાન સાથે લેવાયાં હતાં. તેમનાં લગ્ન બાદ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહેમાનોને ભોજનમાં ઍસિડની ભાવતી ડિશ ચિકન બિરયાની પીરસવામાં આવી હતી. યજમાનો અને મહેમાનો ઍસિડ અને એની પત્ની જાન્વીને પોતાની વચ્ચે બેસાડીને એમની સાથે જમ્યા હતા.
શેલીનો પરિવાર ઍસિડને ફૅમિલીનો એક મેમ્બર જ માને છે એથી એ બે વર્ષનો થતાં એના માટે પાર્ટનર શોધવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી પરિવાર ઍસિડ માટે પાર્ટનર શોધી રહ્યો હતો. ડૉગ ટ્રેઇનરની મદદથી એમણે જાન્વીની શોધ કરી હતી. ઘણા લોકોએ આવો સમારંભ યોજવાનું કારણ પૂછયું તો શ્વાનના માલિકે કહ્યું કે એ અમારા પરિવારનો લાડકવાયો હોવાથી આ સમારંભનું આયોજન કર્યું હતું. પુન્નાયુરકુલમમાં થયેલાં આ લગ્નનો વિડિયો ઘણો વાઇરલ થયો હતો. લગ્ન બાદ શેલીના પરિવારજનો જાન્વીને પોતાના ઘરે લઈ ગયા હતા અને હવે એ ત્યાં જ રહેશે.

offbeat news