કેરળના રિક્ષા ચાલકની ચમકી કિસ્મત, કરોડોની લૉટરી લાગી તો કર્યુ આવું, જાણો

19 September, 2022 12:35 PM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

ઑટો રિક્ષા ડ્રાઈવર ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો, જયારે ખબર પડી કે તેને 25 કરોડની લૉટરી લાગી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

`ઉપરવાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડ કે ` આ પંક્તિ આપણે બધાએ સાંભળી જ હશે. કેરળમાં એક ઑટો ડ્રાઈવર સાથે જે ઘટના બની છે તે જોઈને આ પંક્તિ યાદ આવે જ. ઑટો રિક્ષા ડ્રાઈવર આશ્ચર્યચકિત થઈ ગયો, જયારે ખબર પડી કે તેને 25 કરોડની લૉટરી લાગી છે. એમાંય મહત્વની વાત એ છે કે આ લૉટરી તેને એ સમયે લાગી જ્યારે તે 3 લાખની લોન લઈ શેફ બનવા માટે મલેશિયા જવાનું આયોજન કરી રહ્યો હતો. લોનની અરજી પણ પાસ થઈ ગઈ હતી, તેના એક દિવસ બાદ જ 25 કરોડ રૂપિયાની ઓનમ બંપર લોટરી (Onam bumper lottery) લાગી ગઈ. 

તિરુવનંતપુરમના શ્રીવરહમના રહેવાસી અનૂપે શનિવારે લૉટરીની ટિકિટ ખરીદી હતી. અનુપની આ પહેલી લૉટરી ટિકિટ નહોતી. તેને પહેલી ટિકિટ પસંદ ન આવી હોવાથી બીજી ટિકિટ ખરીદી હતી. લૉટરી લાગ્યા બાદ અનુપે મલેશિયા જવાના વિચારને માંડી વાળ્યો છે. બેન્કવાળાને પણ લોન માટે ના પાડી દીધી છે. અનુપે જણાવ્યું હતું કે તે છેલ્લા 22 વર્ષથી લૉટરીની ટિકિટ ખરીદતો  હતો. પરંતુ અત્યાર સુધીમાં તે 100 થી 5000 રૂપિયા સુધીની રકમ જ જીતી શક્યો હતો. અને હવે 22 વર્ષ બાદ કરોડોની લૉટરી લાગતા તે ખુશીથી ઝુમી ઉઠ્યો છે. 

અનુપે વધુમાં જણાવ્યું હતું કે મને ક્યારેય આશા નહોતી કે હું લૉટરી જીતીશ, માટે હું ટીવી પર લૉટરીનું પરિણામ પણ નહોતો જોતો. જો કે,  જ્યારે ફોન પર મેસેજ જોયો તો હું આશ્ચર્ય થઈ ગયો હતો, હું વિશ્વાસ નહોતો કરી શકતો કે હું લૉટરી જીતી ચૂક્યો છું. તેમ છતાં મને ભરોસો ન આવતા મેં એજન્ટને ફોન કર્યો અને ત્યાંથી ખાતરી મેળવી હતી. 

25 કરોડની લૉટરીમાંથી ટેક્સ બાદ કરી અનુપને 15 કરોડ રૂપિયા મળશે. અનુપ આ પૈસાથી પહેલા પોતાનું ઘર બનાવશે અને ઉધારી ચુકવશે.ત્યાર બાદ તે તેના સંબંધીઓની મદદ કરશે. આ ઉપરાંત કેટલીક રકમ દાનમાં આપશે અને કેરળમાં હોટલ ફિલ્ડમાં પણ આ રકમનો ઉપયોગ કરશે.  

kerala offbeat news