હૅપી ફાધર્સ ડે: દીકરી ઑનલાઇન ક્લાસિસમાં તલ્લીન, પિતાની છત્રી સાથે છત્રછાયા

21 June, 2021 09:05 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર કર્ણાટકના એક ગામની તસવીર જોઈને નેટિઝન્સ ભાવવિભોર થઈ રહ્યા છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર કર્ણાટકના એક ગામની તસવીર જોઈને નેટિઝન્સ ભાવવિભોર થઈ રહ્યા છે. પિતાની છત્રછાયા કોને કહેવાય એનો વધુ એક પુરાવો ‘ફાધર્સ ડે’ની પૂર્વસંધ્યાએ લોકોએ નિહાળ્યો હતો. દ​​ક્ષિણ કન્નડ જિલ્લાના સુલિયા તાલુકાના બલ્લાકા ગામની એ તસવીરમાં એક ઘરની સામે બેઠી-બેઠી મોબાઇલ ફોન પર ઑનલાઇન ક્લાસ અટેન્ડ કરતી ટીનેજર છોકરીને વરસાદમાં ભીંજાતી બચાવવા અને તેને ભણતરમાં ડિસ્ટર્બ ન થાય એ માટે તેના પિતા છત્રી લઈને ઊભા રહેલા દેખાય છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોવાથી પિતા-પુત્રીને આ રીતે બહાર નીકળીને એસએસએલસીના ઑનલાઇન ક્લાસ છૂટે નહીં એની તકેદારી રાખવાની ફરજ પડી હતી. સુલિયા તાલુકાના પત્રકાર મહેશ પુચાપડ્ડીએ પોસ્ટ કરેલી એ તસવીરમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં પ્રવર્તમાન ગરીબી પણ જોવા મળે છે. મહેશે જણાવ્યા પ્રમાણે સુલિયા તાલુકાનાં ગટ્ટીગર, બલ્લાકા અને કામિલા સહિત અનેક ગામોમાં વિદ્યાર્થીઓને ઑનલાઇન ક્લાસિસ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શોધવા ઘરની બહાર નીકળવું પડે છે.

offbeat news national news karnataka fathers day