કરાચીના પત્રકાર ચાંદ નવાબ ઊંટ પર બેસીને લાવ્યા વેધરના ન્યુઝ

25 January, 2022 01:03 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

કેટલાંક વર્ષ પહેલાં તેમનો કરાચીમાં ઈદના તહેવારની ઉજવણીના રિપોર્ટિંગનો વિડિયો એટલો પસંદ આવ્યો હતો લોકોને કે એ આજે પણ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે.

કરાચીના પત્રકાર ચાંદ નવાબ ઊંટ પર બેસીને લાવ્યા વેધરના ન્યુઝ

પાકિસ્તાનના પત્રકાર ચાંદ નવાબ દેશી નેટિઝન્સ માટે કોઈ નવું નામ નથી. તેમની રિપોર્ટિંગ કરવાની અદ્ભૂત શૈલીના ચાહકો વિશ્વભરમાં પથરાયેલા છે. 
કેટલાંક વર્ષ પહેલાં તેમનો કરાચીમાં ઈદના તહેવારની ઉજવણીના રિપોર્ટિંગનો વિડિયો એટલો પસંદ આવ્યો હતો લોકોને કે એ આજે પણ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે.
૨૦૦૯માં કરાચીમાં ઊભી રહેલી ટ્રેનમાંથી રિપોર્ટિંગ કરતા વિડિયોમાં તેઓ પીસ ટુ કૅમેરા (પીટીસી) પૂર્ણ કરતી વખતે ઘણી ગરબડ કરી રહ્યા હતા. આ વિડિયો વાઇરલ થયો હતો, જેના પરથી પ્રેરણા લઈને ૨૦૧૫ની ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીના કબીર ખાન નામના પાત્રનો જન્મ થયો હતો, જેમાં નવાઝુદ્દીનના પાત્રએ ચાંદ નવાબની શૈલી પડદા પર જીવંત કરી હતી. ચાંદ નવાબના રિપોર્ટિંગના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. ૨૦૨૧માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીની મુલાકાતનો વિડિયો વાઇરલ થયો હતો. 
ઇન્ટરનેટના લોકપ્રિય પત્રકાર ફરી એક વાર સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે. આ વખતે તેઓ કરાચીના હવામાનનું રિપોર્ટિંગ કરી રહ્યા છે. 
પોતાની વિશિષ્ટ અદામાં તેઓ ખુલ્લા મેદાનમાં જોરદાર પવનને કારણે ઊડી રહેલી ધૂળની ડમરી વચ્ચે કરાચીના દરિયાકાંઠા પાસેના હવામાન વિશે માહિતી આપી રહ્યા છે. 
જોરદાર ફૂંકાઈ રહેલા પવનને કારણે તેઓ પોતાની આંખ પણ ખોલી શકતા નથી. વિડિયોમાં તેમની પાછળથી રાહદારીઓ અને ઊંટ પસાર થઈ રહ્યાં છે. રિપોર્ટિંગ કરતાં તેઓ લોકોને મોસમનો આનંદ ઉઠાવવા બહાર બોલાવતાં ચેતવણી પણ આપે છે કે દૂબળા-પાતળા લોકોએ આવી હવામાં બહાર નીકળવાનું જોખમ ન લેવું. વિડિયોના ઉત્તરાર્ધમાં તેઓ ઊંટ પર પોતાનું બૅલૅન્સ બનાવીને રિપોર્ટિંગ કરી રહ્યા છે.

offbeat news pakistan world news international news