14 વર્ષ જેલમાં રહ્યા પછી પણ સપનું પૂરું કરવા ડૉક્ટર બન્યા આ ભાઈ

16 February, 2020 08:11 AM IST  |  Kalburgi

14 વર્ષ જેલમાં રહ્યા પછી પણ સપનું પૂરું કરવા ડૉક્ટર બન્યા આ ભાઈ

કે. સુભાષ પાટીલ

કલબુર્ગીના કે. સુભાષ પાટીલનું બાળપણમાં સપનું ડૉક્ટર બનવાનું અને લોકોની સેવા કરવાનું હતું, પરંતુ એક ગુનાને કારણે તેમને ૧૪ વર્ષની જેલ થઈ. જોકે જેલના સળિયા પાછળ રહીને પણ આ ૪૦ વર્ષના સુભાષે પોતાનું સપનું સાકાર કરવા માટેના પ્રયત્નો ક્યારેય ન છોડ્યા. સુભાષ પાટીલની નવેમ્બર ૨૦૦૨માં બૅન્ગલોર પોલીસે હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. ત્યાર બાદ અદાલતે તેમને દોષી ઠરાવીને ૧૪ વર્ષની સજા ફટકારી હતી. સુભાષની જ્યારે ધરપકડ થઈ ત્યારે તે કલબુર્ગીની એમ. આર. મેડિકલ કૉલેજમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. ત્યાર બાદ ૨૦૧૬માં સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે સારી વર્તણૂકને જોતાં તેને જેલમાથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે સેન્ટ્રલ જેલ હૉસ્પિટલમાં ડૉક્ટરોની મદદ કરી. સુભાષના કહેવા મુજબ તેને ૨૦૦૮માં આરોગ્ય વિભાગે ક્ષય રોગથી પીડિત કેદીઓની સારવાર માટે સન્માનિત પણ કરવામાં આવ્યો હતો.

સુભાષનું કહેવું છે કે મહેનત અને ગુનાના પ્રશ્ચાતાપે તેમને આ મંજિલ સુધી પહોંચાડ્યો. ૨૦૧૯માં તેમણે એમબીબીએસ પૂરું કર્યું અને આજે તેમણે એક વર્ષની ઇન્ટર્નશિપ પણ પૂરી કરી લીધી છે. તેમણે આ ધ્યેય સુધી પહોંચવા માટે તેમના પિતા તુકારામના સહયોગનો આભાર માન્યો હતો.

offbeat news hatke news