✕

શરીર કરતાં બમણી પૂંછડી ધરાવતી આ ઘોડીએ તોડ્યો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ

20 October, 2026 07:33 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

આ ઘોડી મૅકેન્જી લોવે નામનાં બહેને પાળેલી છે. મૅકેન્જીને ૨૦૧૯માં તેના જન્મદિવસ પર ગિફ્ટમાં જેની મળી હતી. અમેરિકન સૅડલબ્રેડ પ્રજાતિની આ ઘોડીઓની પૂંછડી કુદરતી રીતે જ લાંબી અને ભરાવદાર હોય છે.

ઘોડીએ ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

અમેરિકાના ઓહાયોમાં જેની નામની એક ઘોડીએ ૧૩ ફુટ અને ૬ ઇંચ લાંબી પૂંછડી માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નામ નોંધાવ્યું છે. કાળી અને ચમકતી ત્વચાવાળી જેનીની પૂંછડી પણ કાળી, સુંવાળી અને ચમકદાર છે. આ ઘોડી મૅકેન્જી લોવે નામનાં બહેને પાળેલી છે. મૅકેન્જીને ૨૦૧૯માં તેના જન્મદિવસ પર ગિફ્ટમાં જેની મળી હતી. અમેરિકન સૅડલબ્રેડ પ્રજાતિની આ ઘોડીઓની પૂંછડી કુદરતી રીતે જ લાંબી અને ભરાવદાર હોય છે. જ્યારે જેની મૅકેન્જી પાસે આવી ત્યારે પણ એની પૂંછડી છેક જમીનને અડતી હતી. એ પછી મૅકેન્જીએ જેનીની પૂંછડીની વિશેષ કાળજી લેવા માંડી. યોગ્ય પોષણની સાથે પૂંછડીને વિશેષ માવજતની જરૂર હોય છે. પૂંછડીને ખાસ તેલથી માલિશ કરવી, ખાસ શૅમ્પૂથી ધોવી અને કોરી કરવી એ બહુ મોટો ટાસ્ક છે. જોકે માવજતને કારણે જેનીની પૂંછડી હવે જમીન સાથે ઢસડાય છે કેમ કે એની કુલ હાઇટ કરતાં પૂંછડી લગભગ બમણી છે. થોડા સમય પહેલાં મૅકેન્જીને લાગ્યું કે હવે જેનીની પૂંછડી ખાસ્સી મોટી થઈ ગઈ છે એટલે એની નોંધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં થઈ શકે કે કેમ એની તપાસ કરી. એમાં ખબર પડી કે ૨૦૦૭થી એક ઘોડીના નામે સૌથી લાંબી પૂંછડીનો રેકૉર્ડ છે અને એ ૧૨ ફુટ અને ૬ ઇંચનો છે. જેનીની પૂંછડી જૂની રેકૉર્ડ-હોલ્ડરથી એક ફુટ વધુ લાંબી હોવાથી તાજેતરમાં એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

guinness book of world records united states of america international news lifestyle news offbeat news