જેફ બેઝોસને સાથી અવકાશયાત્રીએ કહ્યું, ‘મેં ક્યારેય ઍમેઝૉનમાંથી કાંઈ ખરીદ્યું નથી

26 July, 2021 10:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ન્યુ શેપાર્ડ રૉકેટમાં ઓલિવર અને જેફ -બાજુબાજુમાં બેઠા હતા

ઓલિવર ડેમેન

તાજેતરની ઐતિહાસિક અવકાશયાત્રા દરમ્યાન ઑનલાઇન શૉપિંગ કંપની ઍમેઝૉનના માલિક જેફ બેઝોસની સાથે નેધરલૅન્ડ્સનો રહેવાસી ટીનેજર ઓલિવર ડેમેન પણ હતો. ન્યુ શેપાર્ડ રૉકેટમાં ઓલિવર અને જેફ -બાજુબાજુમાં બેઠા હતા. રૉકેટમાં ઓલિવર સૌથી નાની ઉંમરનો હતો. તેણે જેફ બેઝોસ સાથે શી વાતચીત કરી હશે એ જાણવાની કોઈને પણ જિજ્ઞાસા થાય. અવકાશયાત્રા કરીને પૃથ્વી પર પાછા આવ્યા બાદ રૉઇટર્સ સહિત વિવિધ ન્યુઝ-એજન્સીના સંવાદદાતાઓએ ઓલિવરને અન્ય સવાલ સાથે એક સવાલ પૂછ્યો હતો. એ સવાલના જવાબમાં ઓલિવરે કહ્યું કે મેં જેફને કહ્યું કે સર, મેં અત્યાર સુધી ક્યારેય ઍમેઝૉનમાંથી કાંઈ ખરીદ્યું નથી. એ રૉકેટમાં ભૌતિકશાસ્ત્રના આ વિદ્યાર્થી ઓલિવર ડેમેન ઉપરાંત જેફ બેઝોસ, તેમના ભાઈ માર્ક બેઝોસ અને ૮૨ વર્ષનાં મહિલા પાઇલટ વૉલી ફન્ક હતાં.

ઓલિવરે પત્રકારોને બીજી રસપ્રદ વાતો કરતાં કહ્યું હતું કે ‘એક અવકાશયાત્રીએ ૨૮ મિલ્યન ડૉલર (અંદાજે ૨,૦૮,૪૦,૦૦,૦૦૦ રૂપિયા) ચૂકવીને કરાવેલું બુકિંગ છેલ્લી ઘડીએ રદ કરતાં મારો નંબર લાગી ગયો હતો. અબજોપતિ વ્યક્તિ સાથે અવકાશયાત્રાનો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. જીવનને સમજવાનો વધુ એક દૃ​​ષ્ટિકોણ મળ્યો, કારણ કે જેફ બેઝોસ સાવ સરળ વ્યક્તિ છે, ડાઉન ટુ અર્થ. અલબત્ત મેં પાઇલટની તાલીમ લીધી જ છે, હવે હું સ્પેસ ટ્રાવેલમાં કરીઅર બનાવવા ઉત્સુક છું.’

offbeat news international news washington