જપાનનું ઍક્વેરિયમ લોકોને માછલીઓ સાથે વિડિયો-ચૅટ કરવા કહે છે

05 May, 2020 08:57 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનનું ઍક્વેરિયમ લોકોને માછલીઓ સાથે વિડિયો-ચૅટ કરવા કહે છે

કોરોના વાઇરસના પ્રકોપને કારણે સમગ્ર વિશ્વમાં લૉકડાઉન ચાલી રહ્યું છે એવામાં પ્રાણીઓ આરામથી માર્ગ પર ટહેલવા નીકળે છે જાણે માનવો કેદમાં પુરાતાં જ તેમને સ્વતંત્રતા મળી ગઈ હોય, પણ જપાનનું ઍક્વેરિયમ જણાવે છે કે માનવોની અવર-જવર ઘટતાં અહીંનાં પ્રાણીઓ અને ખાસ તો ઇલ માછલીઓ માટે સમસ્યા ઊભી થઈ છે.

ટોક્યોના આ ઍક્વેરિયમના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ઍક્વેરિયમના કામદારો ટૅન્ક પાસેથી પસાર થાય ત્યારે ઇલ માછલીઓ રેતીમાં માથું ઘુસાડી દેવા જેવું વિચિત્ર વર્તન કરે છે. પહેલી માર્ચથી મુલાકાતીઓ માટે ઍક્વેરિયમ બંધ કરવામાં આવ્યું હોવાથી ઇલ માણસોની ઓળખ ભૂલી ગઈ હોય એવું લાગે છે એને કારણે સ્વભાવે શરમાળ એવી માછલીઓને જ્યારે બોલાવવામાં આવે ત્યારે તે રેતીમાં ખૂંપી જાય છે. પહેલાં મુલાકાતીઓની અવર-જવરને કારણે અહીંની ઇલ માણસોની હાજરીથી ટેવાઈ ગઈ હતી, પરંતુ લૉકડાઉનને કારણે અવર-જવર ઓછી થઈ જતાં એ ફરીથી શરમાળ બની ગઈ છે. એને કારણે માછલીઘરના કર્મચારીઓ તેમના સ્વાસ્થ્યની ચકાસણી પણ નથી કરી શકતા.

આ માટે ઍક્વેરિયમે ઇલ માનવીઓને ભૂલી ન જાય એવા હેતુથી ૩ મેથી ફેસ શોઇંગ ફેસ્ટિવલ નામથી એક ઇમર્જન્સી ઇવેન્ટ શરૂ કરી છે જેમાં લોકોને તેમના ફોનથી ઍક્વેરિયમના સમર્પિત નંબર પર કૉલ કરીને દિવસમાં બે વખત ધીમા સાદે વાત કરી તેમને બોલાવવાનું જણાવ્યું છે. સામાન્યપણે જપાનમાં પહેલી મેથી છઠ્ઠી મે દરમ્યાન ગોલ્ડન વીક હૉલિડેના સમયમાં આ તહેવાર મનાવાય છે.

offbeat news japan tokyo