બોલો, આવાં સનગ્લાસ કોને પહેરવાં છે?

11 October, 2021 10:15 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

કંપનીએ એવાં સનગ્લાસ લૉન્ચ કર્યાં છે, જે આખા ચહેરાને ઢાંકી દે

ચહેરાને ઢાંકતા સનગ્લાસ

જપાનમાં મસમોટાં અને અનેક પ્રકારનાં સનગ્લાસિસ એટલે કે તડકા સામે રક્ષણ માટેનાં વિશિષ્ટ કાચવાળાં ચશ્માંઓની નવાઈ નથી, પણ હાલમાં ત્યાંની એક કંપનીએ આ ફૅશનને છેલ્લી હદે પહોંચાડી દીધી છે. આ કંપનીએ એવાં સનગ્લાસ લૉન્ચ કર્યાં છે, જે આખા ચહેરાને ઢાંકી દે.

અલબત્ત, એ કહેવું મુશ્કેલ છે કે આ સનગ્લાસને સનગ્લાસ કહેવા કે ચહેરાનું મહોરું. એક તરફ આ સનગ્લાસ આખા ચહેરાને ઢાંકી દે છે, તો બીજી તરફ પરંપરાગત ચશ્માંની જેમ જ એમાં બે વિભાગમાં વહેંચાયેલી કાન પર ટકતી ગોળાકાર ફ્રેમ છે. લોકો એવું કહેવા લાગ્યા છે કે આ તો માત્ર ફૅશન ઍક્સેસરી તરીકે એટલે માત્ર સ્ટાઇલ માટેનાં સનગ્લાસ છે, એનો પ્રૅક્ટિલ વ્યવહારમાં વપરાશ ઓછો થવાનો. માત્ર સેલિબ્રિટીઝ અને ફૅશનશોખીનો આવાં સનગ્લાસનો વપરાશ કરશે.

અલબત્ત, ૧૬.૫ બાય ૧૪.૨ સેન્ટિમીટરનું માપ ધરાવતાં આ અળવીતરાં સનગ્લાસ જોકે ઉત્તમ ગુણવત્તાના પૉલિકાર્બોનેટમાંથી તૈયાર થયાં છે અને એ ગમે એવા ભારને ખમી શકવા સક્ષમ છે. ઍન્ટિફૉગ, વૉટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ અને યુવી પ્રોટેક્શન સહિતનાં સનગ્લાસનાં જરૂરી પાસાંઓ તો એ ઉત્તમ રીતે જાળવે છે. હાલમાં તો જપાનમાં આ સનગ્લાસ માત્ર ૨૦૦૦ યેન એટલે કે ૧૮ ડૉલર એટલે કે ૧૩૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.

offbeat news international news japan tokyo