કન્યાએ વરમાળા પહેરવાને બદલે ‘કબડ્ડી’ની સ્ટાઇલમાં વરરાજાને હંફાવ્યો

27 July, 2021 04:16 PM IST  |  Mumbai | Agency

મંડપમાં ‘હુતૂતૂતૂ’ની આ રમતમાં બન્ને વચ્ચેનો સોફા હટાવાયો તો પણ કન્યા તેમના હાથમાં નહોતી આવી. થોડી વાર વરરાજાની પિદૂડી કાઢ્યા બાદ છેવટે કન્યાએ વરમાળા પહેરી લીધી હતી. 

કન્યાએ વરમાળા પહેરવાને બદલે ‘કબડ્ડી’ની સ્ટાઇલમાં વરરાજાને હંફાવ્યો

સ્ત્રીઓને પુરુષસમોવડી ગણાવવાની જાગૃતિ જ્યારથી આવી છે ત્યારથી ખાસ કરીને છોકરીઓ અને યુવતીઓએ પુરુષોને પોતાની ટૅલન્ટ, તાકાત અને અધિકાર બતાવવાનો એક પણ મોકો નથી છોડ્યો. એમાં પણ જ્યારે લગ્નમંડપ હોય ત્યારે મોટા ભાગે સ્ત્રીઓ જ પુરુષો પર વર્ચસ ધરાવતી જોવા મળી છે. હવે તો પુરુષોની કબડ્ડી સહિતની બધી રમતોમાં મહિલાઓની પણ હરીફાઈઓ યોજાવા લાગી છે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશના મનીષ મિશ્રા નામના યુવકે એક લગ્નવિધિનો વિડિયો શૅર કર્યો હતો જેમાં બતાવાયું હતું કે કન્યાએ વરમાળા પહેરાવવાની તૈયારી કરી રહેલા વરરાજાને બરાબરના દોડાવ્યા હતા. સામાન્ય રીતે આવું બને તો નહીં, પરંતુ આ રમૂજી ઘટના બની એ હકીકત છે. ઉત્તર પ્રદેશમાં એક લગ્ન હતાં જેમાં ગોરમહારાજના કહેવા પ્રમાણે કન્યાએ તો વરરાજાને વરમાળા પહેરાવી દીધી, પણ વરરાજા જેવા માળા લઈને કન્યાની નજીક આવ્યા ત્યારે કન્યા પોતાની જગ્યાએથી દૂર ચાલી ગઈ અને પોતાના ભાવિ પતિને દોડાવવા લાગી. આ દોડાદોડી બે મિનિટ સુધી ચાલી. કન્યા જાણે કબડ્ડી રમવાના મૂડમાં હોય એમ વરરાજાને લલચાવવા લાગી હતી. મંડપમાં ‘હુતૂતૂતૂ’ની આ રમતમાં બન્ને વચ્ચેનો સોફા હટાવાયો તો પણ કન્યા તેમના હાથમાં નહોતી આવી. થોડી વાર વરરાજાની પિદૂડી કાઢ્યા બાદ છેવટે કન્યાએ વરમાળા પહેરી લીધી હતી. 

offbeat news