૧૩ વર્ષની ટીનેજર આંખે પાટા બાંધીને રુબિક ક્યુબ સૉલ્વ કરે છે

07 February, 2021 09:42 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

૧૩ વર્ષની ટીનેજર આંખે પાટા બાંધીને રુબિક ક્યુબ સૉલ્વ કરે છે

પ્રતીકાત્મક તસવીર

ગયા મહિને ટીવી-શો ‘કૌન બનેગા કરોડપતિ’ના બાળકો માટેના એપિસોડમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો જે રીતે અઘરા વિષયના સવાલના જવાબ આપતાં હતાં એ જોઈને સૌ દર્શકોની આંખો ટીવી-સ્ક્રીન પર જડાયેલી રહેતી હતી. મેધાવી શક્તિઓ ઉંમરની મોહતાજ હોતી નથી એનાં ઉદાહરણ ઓછાં છતાં વિશ્વના ખૂણે-ખૂણે અવારનવાર મળતાં રહે છે. ઇન્દોરની ૧૩ વર્ષની કન્યા તનિષ્કા સુજિત આંખો પર પાટા બાંધીને રુબિક ક્યુબ સૉલ્વ કરે છે. તનિષ્કા ત્રિકોણાકાર રુબિક ક્યુબ આંખો પર પાટા બાંધીને સૉલ્વ કરતી હોય એનો વિડિયો ન્યુઝ એજન્સી એએનઆઇએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મૂક્યો છે. ૫૮ સેકન્ડમાં રુબિક ક્યુબની બધી બાજુએ એકસરખા રંગ લાવીને સૉલ્વ કરતી તનિષ્કાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. 

એ બાળકીએ ૧૦ વર્ષની ઉંમરે એસએસસી અને ૧૨ વર્ષની ઉંમરે એચએસસી પાસ કરીને મૌલાના અબુલ કલામ આઝાદ અને સરોજિની નાયડુની યાદ અપાવી છે. એ કન્યા હાલ સ્થાનિક દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયમાં બી.એ.ની ડિગ્રી માટેના ક્લાસમાં ભણે છે. તનિષ્કાને પાંચમા ધોરણમાંથી સીધી દસમા ધોરણમાં પ્રમોટ કરવાની વિનંતી સાથે તેની મમ્મીને મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં શિક્ષણ મંત્રાલયમાં એકાદ વર્ષ પ્રયાસ કરવા પડ્યા હતા. એ વખતે તનિષ્કાએ છઠ્ઠા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી હતી. તનિષ્કા કથક ડાન્સર છે અને તેણે યુરોપમાં પણ તેનો પફૉર્મન્સ આપ્યો છે. ભવિષ્યમાં તે લીગલ કરીઅરમાં આગળ વધીને ન્યાયાધીશ બનવા ઇચ્છે છે.

offbeat news national news indore