ઇટલીના આ કોવિડ-ફ્રી ગામમાં એક ડૉલર એટલે કે ૭૨ રૂપિયામાં ઘર મળશે

15 June, 2020 09:09 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ઇટલીના આ કોવિડ-ફ્રી ગામમાં એક ડૉલર એટલે કે ૭૨ રૂપિયામાં ઘર મળશે

ઇટલીનું ગામ

કોરોના રોગચાળા સામે લડવામાં હાર કબૂલ કરનારા ઇટલીના કેલબ્રિયા પ્રાંતના સિન્કફ્રોન્ડી ગામનું વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો એ ગામ પૂર્ણપણે કોવિડ-ફ્રી હોવાનો દાવો કરે છે. એ ગામમાં એક ડૉલર (અંદાજે ૭૨ રૂપિયા)ની કિંમતે ઘર વેચવાની ઑફર્સ હોય છે. જોકે ઘર ભલે તમને સસ્તામાં મળી ગયું, તમારે એ ઘર રિનોવેટ કરવું ફરજિયાત છે. ત્રણ વર્ષમાં ઘર રિનોવેટ કરાવવાની શરત દરેક ખરીદનાર સમક્ષ મૂકવામાં આવે છે. ઘર ખરીદનારે રિનોવેશન પૂરું ન થાય ત્યાં સુધી દર વર્ષે ૨૮૦ ડોલર (અંદાજે ૨૧,૨૬૮ રૂપિયા) વાર્ષિક ઇન્શ્યૉરન્સ ફી ભરવાની હોય છે. તેઓ ત્રણ વર્ષમાં રિનોવેશન પૂરું ન કરે તો ૨૨,૪૭૦ ડૉલર (અંદાજે ૧૭,૦૭,૦૦૦ રૂપિયા) દંડ ભરવાનો રહે છે.
એ પ્રાંતના મેયર માઇકલ કોનિયાએ ‘ઓપરેશન બ્યુટી’ના ભાગરૂપે ગામમાં નવા રહેવાસીઓને આકર્ષવાની જાહેરાત કરી છે. કોરોના રોગચાળા પહેલાંથી વિવિધ કારણસર લોકો ઘર છોડી ગયા હોય કે રોગચાળાનો ભોગ બન્યા હોય તેમના ઘરમાં રહેવા માટે બહારથી લોકોને બોલાવવાનું અભિયાન ‘ઑપરેશન બ્યુટી’ના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે.
મેયરનું કહેવું છે કે ‘અમે મૂળ આ ગામના વતની છીએ. દાયકાઓ પૂર્વે મારાં માતા-પિતા જર્મનીમાં સ્થાયી થતાં મારો ઉછેર ત્યાં થયો હતો, પરંતુ વતનને એમ ભૂલી ન જવાય, એવું સમજીને કેટલાંક વર્ષો પહેલાં હું મારી જન્મભૂમિને બચાવવા અહીં પાછો આવ્યો છું. છેલ્લા કેટલાક દાયકામાં ઘણા લોકો ઘર છોડીને જતા રહ્યા છે. ખાલીખમ રહેઠાણો અને નિર્જન શેરીઓ ખાવા દોડે છે. આપણે એ પરિસ્થિતિને વશ થવું ન જોઈએ.’ 

international news offbeat news covid19 coronavirus italy