સ્વિન્ડનમાં બુલડૉગે ૨૪ કલાકમાં ૨૦ ગલૂડિયાંને જન્મ આપ્યો

22 March, 2020 07:43 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

સ્વિન્ડનમાં બુલડૉગે ૨૪ કલાકમાં ૨૦ ગલૂડિયાંને જન્મ આપ્યો

બુલડૉગ ૨૦ ગલૂડિયાં સાથે

માદા શ્વાન એકસાથે અનેક ગલૂડિયાંને જન્મ આપે છે એમાં કોઈ નવાઈ નથી, પરંતુ જ્યારે ૧૦-૧૨થી વધુ ગલૂડિયાં જન્મે ત્યારે વિસ્મય સર્જાય છે. ઇંગ્લૅન્ડના સ્વિન્ડન શહેરના વિલ્ટશર પરામાં કૅલી નામની માદા બુલડૉગે ૨૪ કલાકના સમયગાળામાં ૨૦ ગલૂડિયાંને જન્મ આપ્યો ત્યારે વિસ્મય, આનંદ અને મોજ ઉપરાંત વિક્રમ પણ નોંધાયો હતો, કારણ કે ડૉક્ટરો અને જાણકારોએ એના ગર્ભમાં ૬ કરતાં વધારે બચ્ચાં નહીં હોવાનો અંદાજ બાંધ્યો હતો. એ બધી આગાહીઓ ખોટી પાડીને ૨૦ બચ્ચાંનો જન્મ થતાં એ બુલડૉગના ચહેરા અને વર્તનમાં જબરો આત્મસંતોષ અને આનંદ જોવા મળે છે. એ ઉપરાંત બુલડૉગની ૨૦ વર્ષની માલિકણ એમ્બર રીસ પણ ખુશ છે. ગયા બુધવારે ૧૧ માર્ચે સાંજે ૭ વાગ્યા પછી કૅલીને પ્રસૂતિની પીડા શરૂ થઈ. એણે ૭.૨૦ વાગ્યાથી બચ્ચાંને જન્મ આપવાનું શરૂ કર્યું અને વારાફરતી ગલૂડિયાં અવતરવા માંડ્યાં. મધરાત પછી ૧૨.૫૦ વાગ્યા સુધીમાં ૧૨ ગલૂડિયાં આવ્યાં, સવાર પડતાં કૅલીને વેટરનરી ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. ત્યાર પછી એણે બીજાં ૮ ગલૂડિયાંને જન્મ આપ્યો હતો. આ ઘટના સ્વિન્ડનના વિલ્ટશર પરા માટે તો વિક્રમ ગણાય છે.

international news offbeat news