જપાનના ફળોના બાગમાં જીવજંતુઓથી પાકને બચાવવા ખેડૂતો ઘુવડ પાળે છે

02 December, 2020 08:51 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનના ફળોના બાગમાં જીવજંતુઓથી પાકને બચાવવા ખેડૂતો ઘુવડ પાળે છે

ખેતરમાં ઊભા પાકને કે ફળોના બાગમાં વૃક્ષોને જીવજંતુઓથી બચાવવામાં અન્ય પશુપક્ષીઓની ઉપયોગિતા જાણીતી છે. ઘણી જગ્યાએ કુદરતે એવું સ્વાભાવિક આયોજન કર્યું હોય છે અને ઘણી જગ્યાએ ખેડૂતો આયાસપૂર્વક એવું આયોજન કરતા હોય છે. ગોકળગાય, સાપ, ઉંદર, અળસિયાં, ગીધ વગેરે પશુ-પક્ષીઓના ખેતી સાથે સંબંધની વિગતો જાણીતી છે, પરંતુ ઘુવડના ખેતી-બાગાયતી સાથેના સંબંધ વિશે ઝાઝી માહિતી ચર્ચાઈ નથી. જપાનમાં સફરજનના પાકને જીવાતથી બચાવવા માટે ખેડૂતો ઘુવડની મદદ લે છે.

સફરજન તથા અન્ય ફળોના બાગમાં ઉંદરો મોટા પ્રમાણમાં હોય છે એથી ફ્ળોની એ વાડીઓમાં ઘુવડ માળા ખૂબ બાંધતા હોય છે. ફળોના બગીચા અને વાડીઓમાં ઘુવડની હાજરી લાભદાયક હોવાનું જપાનના ખેડૂતો અને બાગાયતકારોના ધ્યાનમાં આવ્યું છે એથી તેઓ ઘુવડોને એ વાડીઓમાં માળા બાંધવાની મોકળાશ કરી આપે છે. ઊભા પાકને નુકસાનકારક  બનતા ઉંદરોનો ખાતમો બોલાવતા ઘુવડો તેમના બાગોમાં માળા બાંધી શકે એ માટે ઝાડની બખોલમાં અને ‘મેન મેડ ટ્રી હાઉસિસ’માં વ્યવસ્થા કરી આપવામાં આવે છે. તેમના જ બાગમાં ઊછરેલા ઘુવડને ખેડૂતો પાળેલાં પંખીઓની જેમ રાખે છે. જપાનમાં નૉવેલ્ટી ફ્રૂટ્સનો ધંધો પણ પુરજોશમાં ચાલતો હોવાથી ઘુવડ એ ફળના બાગાયતકારો માટે ખૂબ ઉપયોગી નીવડે છે.

international news japan offbeat news