05 September, 2025 02:30 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
૩૧ વર્ષનો અનુપસિંહ ચૌહાણ
વારાણસીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-બનારસ હિન્દુ યુનિવર્સિટી (IIT-BHU)ની એક હૉસ્ટેલમાં ૩૧ વર્ષનો અનુપસિંહ ચૌહાણ નામનો યુવક કાર્ડિઍક અરેસ્ટથી ઊંઘમાં જ મૃત્યુ પામ્યો હતો. બુધવારે સવારે પરીક્ષા હોવાથી તે બીજા બે દોસ્તોની સાથે એક જ રૂમમાં વાંચી રહ્યો હતો. રાતે ૩ વાગ્યા સુધી પરીક્ષાની તૈયારી કર્યા બાદ સવારે ૬ વાગ્યે એકબીજાને ઉઠાડીશું એમ કહીને ત્રણે જણ સૂઈ ગયા હતા. સવારે ૬ વાગ્યે દોસ્તોએ અનુપને ઉઠાડવાની કોશિશ કરી તો તે ઊઠ્યો નહીં. તેનું શરીર પણ એકદમ ઠંડું લાગી રહ્યું હતું. દોસ્તોએ તરત જ તેને છાતી પર દબાણ કરીને CPR આપ્યું, પણ એની કોઈ અસર ન થઈ. તરત જ દોસ્તોએ હૉસ્ટેલના અધિકારીઓને જાણ કરી અને અનુપને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે ત્યાં ડૉક્ટરોએ કહ્યું કે તેનું ઊંઘમાં જ કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ થઈ ગયું હતું.