૧૦૦૦ રૂપિયાની લોન સામે IDFC ફર્સ્ટ બૅન્કના CEOએ આપ્યા બે કરોડના શૅર

26 March, 2024 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિન્ગ કમાન્ડર (રિટાયર્ડ) સંપત કુમારે એક વાર વૈદ્યનાથનને ૧૦૦૦ રૂપિયા ઉછીના આપ્યા હતા.

IDFC ફર્સ્ટ બૅન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) વી. વૈદ્યનાથન

લોકોને મોટી-મોટી ગિફ્ટ આપવા માટે જાણીતા IDFC ફર્સ્ટ બૅન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) વી. વૈદ્યનાથન ફરી પાછા ન્યુઝમાં છે. આ પ્રાઇવેટ બૅન્કના સિનિયર એક્ઝિક્યુટિવ વી. વૈદ્યનાથને આ વખતે પાંચ કરોડ રૂપિયાથી વધુના શૅર્સનું વિતરણ કર્યું છે. તેમણે કેટલાક લોકોમાં ગિફ્ટ તરીકે IDFC ફર્સ્ટ બૅન્કના ૭ લાખ શૅર્સ વહેંચ્યા છે જેની ટોટલ વૅલ્યુ લગભગ સાડાપાંચ કરોડ રૂપિયા થાય છે. આ પહેલી વાર નથી જ્યારે વૈદ્યનાથને કરોડોના શૅર્સ ગિફ્ટ આપ્યા હોય. તેમણે અત્યાર સુધી પરિચિતો અને જરૂરિયાતમંદોને કુલ ૮૦ કરોડ રૂપિયાના શૅર્સ ગિફ્ટ આપ્યા છે.

વૈદ્યનાથન IDFC ફર્સ્ટ બૅન્કમાં એક ટકો હિસ્સો ધરાવે છે. તેમણે ઘણા પ્રસંગમાં લોકોને IDFC ફર્સ્ટ બૅન્કના શૅર્સ ગિફ્ટ આપ્યા છે. આ તમામ કેસમાં CEOએ જરૂરિયાતમંદોને મદદ કરી છે અને એનો પોતાને કોઈ લાભ મળ્યો નથી. 

આ વખતે ગિફ્ટ મેળવનારાઓમાં એક એવી વ્યક્તિ છે જેનો વૈદ્યનાથન સાથે જૂનો પરિચય છે. વિન્ગ કમાન્ડર (રિટાયર્ડ) સંપત કુમારે એક વાર વૈદ્યનાથનને ૧૦૦૦ રૂપિયા ઉછીના આપ્યા હતા. એ સમયે તો વૈદ્યનાથન પૈસા પાછા કરી શક્યા નહોતા અને આ બન્ને તેમની કારકિર્દીમાં અલગ-અલગ દિશામાં આગળ વધ્યા હતા. જોકે હવે વૈદ્યનાથને કુમારના પરિવારને શોધી કાઢ્યો અને ૨.૫ લાખ શૅર્સ ગિફ્ટ આપીને લોન ચૂકવી દીધી હતી. ગિફ્ટમાં મળેલા શૅર્સની કિંમત લગભગ બે કરોડ રૂપિયા થાય છે.

offbeat videos offbeat news social media