સ્કૂલના સ્ટુડન્ટ્સે ચોખાના લોટ અને નીલગિરિમાંથી બનાવ્યો ઑર્ગેનિક ચોક

12 January, 2021 09:19 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સ્કૂલના સ્ટુડન્ટ્સે ચોખાના લોટ અને નીલગિરિમાંથી બનાવ્યો ઑર્ગેનિક ચોક

હૈદરાબાદની સ્કૂલના સ્ટુડન્ટ્સ

હૈદરાબાદના અલીદાબાદ વિસ્તારની તેલંગણ સ્ટેટ મૉડલ સ્કૂલના પી. હર્ષિત વર્મા અને કે. રુદ્ર નામના બે સ્ટુડન્ટ્સે ઑર્ગેનિક ચોક તૈયાર કર્યો છે, જે સ્કૂલમાં વપરાતા ચોકના સ્થાને વાપરી શકાય છે. આ ઑર્ગેનિક ચોક બનાવવા માટે ચોખાનો લોટ, લીંબુનો રસ, લીમડો, કુદરતી માટી, ઓરેગાનો, નીલગિરિ, સમંગી નામે ઓળખાતાં પુષ્પ અને અસેન્શિયલ ઑઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોકને સુગંધિત બનાવવો હોય તો એમાં જાસ્મિન અને ચંદન પણ ઉમેરી શકાય છે.

હાલમાં ઉપયોગમાં લેવાતા જિપ્સમ ચોકમાંથી ઊડતી રજકણો ફેફસાં અને આંખને નુકસાન પહોંચાડે છે. ચોકના આ તેમ જ એની અન્ય નુકસાનકારક આડઅસર વિશે જાણ થયા બાદ તેમણે ઑર્ગેનિક ચોક બનાવવાની કોશિશ કરી હતી.  સ્કૂલે તેમની આ કોશિશને વખાણી છે. બન્ને સ્ટુડન્ટ્સને આશા છે કે આ ચોક લોકોમાં વખાણાશે તથા દેશમાં સર્વત્ર એનો ઉપયોગ કરવામાં આવશે.

offbeat news national news hyderabad