ઘરનું બજેટ જાળવવા પત્નીના ખર્ચ પર પતિએ મૂક્યો પ્રતિબંધ

24 October, 2021 01:20 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના જાણીતા ડિસ્કશન પ્લૅટફૉર્મ રેડિટ પર એક દુખી પતિએ પત્નીના ખર્ચ વિશે ચર્ચા ઉપાડી છે

પ્રતીકાત્મક તસવીર

દરેક વ્યક્તિ માટે આમ તો ઘરસંસારનો ખર્ચ સાચવવો મુશ્કેલ હોય છે, પણ ખાસ કરીને નવપરિણીતો માટે તો અચાનક બદલાઈ ગયેલા જીવનને લીધે ઘણી વાર ઘરનું બજેટ ખોરવાતું બચાવવું મહામુશ્કેલ બની જાય છે.

અમેરિકાના જાણીતા ડિસ્કશન પ્લૅટફૉર્મ રેડિટ પર એક દુખી પતિએ પત્નીના ખર્ચ વિશે ચર્ચા ઉપાડી છે. આ વર્ષની શરૂઆતમાં જ પરણેલા આ ભાઈએ લખ્યું છે કે ૭ મહિના પત્નીને રોકટોક વગર ખરીદી કરવા દીધી, પણ ત્યાર બાદ હવે મેં પત્ની પાછળ ખર્ચ પર પ્રતિબંધ મૂકી દેવાનું નક્કી કર્યું છે. તેની પત્ની કપડાં, સાજસજાવટ, મેકઅપ પાછળ બેફામ ખર્ચ કરે છે. પતિનો તો ત્યાં સુધી દાવો છે કે તે પોતે એક પણ વસ્તુ ખરીદતો નથી એ જ કારણે હજી તેમને માથે છત બચી છે. પત્નીએ એક કોટ પાછળ ૫૫૦ ડૉલર (અંદાજે ૪૧,૦૦૦ રૂપિયા)નો ધૂમાડો કરી નાખતાં અકળાયેલા પતિએ પત્નીનો ક્લાસ લીધો. તેને સામે બેસાડીને વિગતવાર તમામ ખર્ચની યાદી બતાવી. પતિને આશા હતી કે પત્ની પરિપક્વ વ્યક્તિની જેમ સમજશે, પણ પત્નીએ કહ્યું કે પતિ તેના પર કાબૂ કરવા માગે છે.

અલબત્ત, રેડિટ પર સભ્યોએ જાતભાતની કમેન્ટ્સ આપીને આ પતિને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે અને ઘણાએ પત્ની પોતે કમાય છે કે નહીં એવા સવાલ પણ કર્યા છે.

offbeat news international news washington