મહાકાય સનફિશને સ્પૅનિશ સંશોધકોએ જાળમાંથી મુક્ત કરી

25 October, 2021 12:36 PM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે

સનફિશ

ઈશ્વરે સર્જેલી સૃષ્ટિમાં દરેકનું પોતાનું સ્થાન છે. દરિયાઈ જીવો દરિયામાં અને જમીન પર જીવનારા જીવો પોતાની રીતે જમીન પર જીવે છે. જોકે મનુષ્યો જળચર પ્રાણીઓને પોતાનો ખોરાક બનાવતા હોવાથી મચ્છીમારી ઉદ્યોગ વધુ ફૂલ્યોફાલ્યો છે. માછીમારો માછલીને દરિયામાં જાળ નાખીને પકડ્યા બાદ એને જાળમાંથી મુક્ત કરીને બજારમાં વેચી પોતાનું ગુજરાત ચલાવતા હોય છે. તાજેતરમાં સ્પૅનિશ સંશોધકોએ ટુના નેટમાં મહાકાય ૨૨૦૦ પાઉન્ડ વજનની સનફિશ માછલીને પકડ્યા બાદ એને જાળમાંથી છોડાવી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. યુનિવર્સિટી ઑફ સેવિલેના એસ્ટ્રેકો મરીન બાયોલૉજી સ્ટેશનના સંશોધકોએ જણાવ્યું હતું કે આ સનફિશ સેઉટાના દરિયાકિનારે ૧૪ ઑક્ટોબરે ટુના જાળમાં ફસાયેલી જોવા મળી હતી અને માછલીને એની દુર્દશામાંથી મુક્ત કરવા એને પાણીમાંથી બહાર કાઢવા માટે બે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો.તેમણે સનફિશનું વજન કરવાની કોશિશ કરતાં એ લગભગ ૨૨૦૦ પાઉન્ડની હોવાનું જણાયું હતું. જોકે તેમના મતે માછલીનું વજન ૪૦૦૦ પાઉન્ડ જેટલું હોઈ શકે છે. સનફિશ કદમાં ૧૦.૫ ફીટ લાંબી અને ૯.૫ ફીટ પહોળી હોવા સાથે વિસ્તારમાં મળી આવેલી સૌથી મહાકાય સનફિશ હોવાનું મનાય છે. જાળમાંથી મુક્ત કરાયા બાદ એને પાણીમાં છોડી દેવામાં આવી હતી.

offbeat news international news