સીલ માછલી જીવ બચાવનારનો કેવી રીતે આભાર માને છે!

30 May, 2020 07:50 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

સીલ માછલી જીવ બચાવનારનો કેવી રીતે આભાર માને છે!

સીલ

ટિકટૉક પર ૧.૩૫ લાખ વખત જોવાયેલા અને ૩૦ લાખ લાઇક્સ મેળવનારા વિડિયોમાં માનવતા અને લાગણીનો એવો સરસ પ્રસંગ છે કે કમેન્ટ્સ લખનારા પણ વખાણ કરતાં થાકતા નથી. ૨૬ મેએ નામિબ નોડેએ પોસ્ટ કરેલા ૪૦ સેકન્ડના વિડિયોમાં દરિયાકિનારેથી પાછું દરિયા તરફ જતું સીલ માછલીઓનું ઝુંડ છે. એમાંથી એક સીલ માછલીના મોઢાની આસપાસનો ભાગ દોરીના ગૂંચળામાં અટવાઈ જતાં એ બરાબર પાણીમાં અંદર જઈ શકતી નથી. એ ઝુંડની સાથે ભાગવા પ્રયત્નશીલ છે, પણ દોરીમાંથી છૂટવા તરફડી રહી છે. જોકે એ કિનારે ગ્લવ્ઝ પહેરીને ઊભેલા રેસ્ક્યુઅર્સની ટીમ એની પાછળ દોડે છે. શરૂઆતમાં તો સીલ તેમનાથી ગભરાય છે, પરંતુ એક બચાવકાર તેને પકડીને બોચીથી નીચે દબાવે છે અને બીજો માણસ કાતરથી તેના ગળામાં ફસાયેલી દોરી કાપી નાખે છે. માણસના પગ વચ્ચે જકડાયેલી સીલ માછલીને છૂટી કરીને જ્યારે એને જવા કહે છે ત્યારે પહેલાં તો તેને માન્યામાં ન આવતું હોય એમ તે ધીમી ચાલે આગળ વધે છે. શ્વાસ રૂંધાતો હોય એવી સ્થિતિમાંથી મુક્ત થયેલી સીલ માછલી મધદરિયાની દિશામાં આગળ તો વધી, પરંતુ આગળ વધતાં-વધતાં એ વારંવાર પાછળ જોતી હતી. જાણે એને બચાવનારાનો એ આભાર ન માનતી હોય!

offbeat news international news