30 July, 2025 04:45 PM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
પાન્ડા-ટ્વિન્સની અનોખી બર્થ-ડે પાર્ટી
૧૫ ઑગસ્ટથી હૉન્ગકૉન્ગ શહેર એના ખૂબ જ પ્રિય જાયન્ટ પાન્ડા-ટ્વિન્સ મોટી બહેન જિયા જિયા અને નાના ભાઈ ડે ડેના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરશે. કલ્ચર, સ્પોર્ટ્સ ઍન્ડ ટૂરિઝમ બ્યુરો (CSTB)એ ઉજવણી સાથે સુસંગત થવા અને હૉન્ગકૉન્ગને એક વિશાળ જન્મદિવસની પાર્ટીમાં પરિવર્તિત કરવા માટે હૉન્ગકૉન્ગ ટૂરિઝમ બોર્ડ (HKTB) સાથે હાથ મિલાવ્યા છે. HKTBએ પાન્ડાઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને આઇકૉનિક લાબુબુ ડૉલ્સ અને એના સર્જક કૅસિંગ લંગ સહિત વૈશ્વિક મિત્રોની યાદી બનાવી છે. કેસિંગ લંગ સાથેના વિશિષ્ટ સહયોગમાં HKTBએ લાબુબુનું પાન્ડા-ટ્વિન્સના જન્મદિવસનું વિશેષ સંસ્કરણ બનાવ્યું છે જે ઓશન પાર્કના મુલાકાતીઓ ઑગસ્ટ દરમ્યાન જીતી શકે છે.
સૌથી વૃદ્ધ પાન્ડાએ ઓશન પાર્કમાં ટ્વિન્સને જન્મ આપ્યો હતો
ટ્વિન્સ પાન્ડાની માતા યિંગ યિંગે ૧૯ વર્ષની થવાના એક દિવસ પહેલાં ગયા વર્ષે ઓશન પાર્કમાં જોડિયા પાન્ડાને જન્મ આપ્યો હતો. એમાંથી એક નર પાન્ડા અને બીજી માદા પાન્ડા છે. તેણે વિશ્વની સૌથી વૃદ્ધ પાન્ડા માતા બનીને વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો હતો. ચીનમાં પાન્ડાને ખૂબ જ શુભ માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે પાન્ડા રાખવાથી દેવાનો બોજ સમાપ્ત થાય છે અને પ્રગતિ થાય છે.