એક ઘરની નીચેથી મળ્યા ૯૨ રૅટલસ્નેક

17 October, 2021 12:21 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

સોનોમા કાઉન્ટીના રૅપ્ટાઇલ રેસ્ક્યુના અલ વુલ્ફને બિલ્ડિંગની નીચે સાપ છુપાયા હોવાની જાણ થતાં જ તરત તેઓ સાપ પકડવા પહોંચી ગયા

૯૨ રૅટલસ્નેક

સાપની ગણતરી આમ તો જંગલી પ્રાણીઓમાં કરવામાં આવે છે, પરંતુ ક્યારેક એ માનવ-વસાહત વચ્ચે પણ જોવા મળતા હોય છે. જો ઘરની આસપાસ સાપ દેખાય તો એ ઝેરીલો છે કે નહીં એ જાણ્યા વિના જ માણસ ડરી જતો હોય છે, તો જો ઝેરી સાપ હોય તો શું થાય એ વિચાર જ કમકમાટી લાવનારો છે. અમેરિકાના કૅલિફૉર્નિયામાં નૉર્થ વે વિસ્તારમાં આવેલા એક ઘરમાં એક પછી એક એમ ૯૨ જેટલા સાપ પકડવામાં આવ્યા હતા. આ સાપ સામાન્ય નહીં પરંતુ સૌથી ઝેરી મનાતા કરડવાની સાથે જ મોતની સોગાત આપનારા રૅટલસ્નેક હતા.

સોનોમા કાઉન્ટીના રૅપ્ટાઇલ રેસ્ક્યુના અલ વુલ્ફને બિલ્ડિંગની નીચે સાપ છુપાયા હોવાની જાણ થતાં જ તરત તેઓ સાપ પકડવા પહોંચી ગયા. અલ વુલ્ફ છેલ્લાં ૩૨ વર્ષથી મફતમાં સાપ પકડે છે. જોકે બિલ્ડિંગ નીચે એકસાથે આટલા બધા સાપ છુપાયેલા જોઈને તેઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. સાપ પકડવાની શરૂઆત કરતાં પહેલાં તેમણે એના કરડવાથી બચવા માટે ગ્લવ્ઝ પહેરવાં પડ્યાં હતાં.

અલ વુલ્ફે જણાવ્યું કે તેને બિલ્ડિંગ પર પહોંચ્યાને એક મિનિટ પણ નથી થઈ અને તેમણે પહેલો સાપ પકડ્યો હતો. ત્યાર બાદ જે સાપ પકડવાનો સિલસિલો શરૂ થયો તે કુલ ૯૨ જેટલા સાપ બિલ્ડિંગની નીચેથી મળી આવ્યા હતા. સાપ પકડવાની આ કવાયત લગભગ ૩ કલાક ૪૫ મિનિટ સુધી ચાલી હતી. નાના-મોટા સાપને સરળતાથી જુદા પાડવા તેણે મોટી બાલદીની જરૂર પડી હતી. અલ વુલ્ફનું માનવું છે કે સૂકી જમીન હોવાને કારણે એકસાથે આટલા બધા સાપ એક સ્થળે મળી આવ્યા હતા, જે કદાચ ગરોળી કે ઉંદરની શોધમાં બિલ્ડિંગ નીચે પહોંચ્યા હશે.

offbeat news international news california